"જેમને સોસાયટીના નામ ખબર નથી તેને ટિકિટ આપી"! સુરતમાં ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર, વોર્ડ નંબર 8માં ભાજપના કાર્યકર્તાઓનો વિરોધ...

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવતા જ શહેરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી બાદ શહેરના અનેક વિસ્તારોમાં ક્યાંક ફટાકડા ફોડીને ખુશી મનાવવામાં આવી રહી છે, તો ક્યાંક પક્ષના જ પાયાના કાર્યકરોમાં ભારે ગમ અને રોષની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતના વોર્ડ નંબર 8માં ટિકિટ વિતરણને લઈને ભડકો થયો છે, જ્યાં સ્થાનિક કાર્યકરોએ પક્ષના નિર્ણય સામે ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે.
સ્થાનિક વિરુદ્ધ આયાતી ઉમેદવારનો વિવાદ
વોર્ડ નંબર 8માં ભાજપના શિસ્તબદ્ધ ગણાતા કાર્યકરોએ પક્ષના નેતૃત્વ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કાર્યકરોનો મુખ્ય આરોપ એ છે કે જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, તેઓ આ વિસ્તારના નથી પરંતુ બીજા વોર્ડમાંથી 'આયાત' કરવામાં આવ્યા છે. વિરોધ કરી રહેલા કાર્યકરોએ ઉગ્ર સૂરે જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં અનેક સક્ષમ અને વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડનારા સ્થાનિક ઉમેદવારો હોવા છતાં, હાઈકમાન્ડે બહારના વ્યક્તિ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ નિર્ણયને કારણે વર્ષોથી પાયાનું કામ કરતા કાર્યકરોમાં અન્યાયની ભાવના જન્મી છે.
ભૂતકાળના પરાજિત ચહેરાઓને પ્રાધાન્ય આપતા રોષ
વિવાદનું બીજું મુખ્ય કારણ એ છે કે આ વખતે ભાજપે એવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે જેઓ છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયાં હતા અને હારી ગયા હતા. કાર્યકરોમાં એ વાતની ભારે ચર્ચા છે કે જે લોકો જનતાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા, તેમને ફરીથી ટિકિટ આપીને પક્ષે વફાદાર કાર્યકરોની અવગણના કરી છે. રોષે ભરાયેલા કાર્યકરોએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, જે ઉમેદવારને અમારા વિસ્તારની ગલીઓના નામ પણ ખબર નથી કે જેમને ભૌગોલિક સ્થિતિનું જ્ઞાન નથી, તેઓ વિસ્તારનો વિકાસ કેવી રીતે કરશે?
ચૂંટણી પરિણામો પર અસરની ભીતિ
મોટી સંખ્યામાં એકઠા થયેલા નારાજ કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો પક્ષ દ્વારા ઉમેદવાર બદલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેની ગંભીર અસર ચૂંટણી પ્રચાર અને પરિણામો પર જોવા મળી શકે છે. ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં આ પ્રકારે આંતરિક ડખો સપાટી પર આવતા વિરોધ પક્ષોને મોકળું મેદાન મળી ગયું છે. હાલ તો સુરત ભાજપના સંગઠન માટે આ વિરોધને શાંત કરવો એ મોટા પડકાર સમાન બની રહ્યો છે, કારણ કે કાર્યકરોની સ્પષ્ટ માંગ છે કે 'સ્થાનિકને જ ટિકિટ' મળવી જોઈએ. હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ સમસ્યાને કંટ્રોલ કરવામાં કેટલી સફળ રહે છે.