April 3, 2026
ગુજરાત

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરતનું વર્ચસ્વ : 27 હેક્ટરમાં ફેલાયેલા રોલિંગ સ્ટોક ડેપોની કામગીરી હવે પૂરજોશમાં...

01:57:00 PM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરતનું વર્ચસ્વ :</strong></span> 27 હેક્ટરમાં ફેલાયેલા રોલિંગ સ્ટોક ડેપોની કામગીરી હવે પૂરજોશમાં...</p>

દેશના હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ એટલે કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે સુરત હવે એક મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. સુરતના અંત્રોલી ખાતે નિર્માણ પામી રહેલા ભવ્ય બુલેટ ટ્રેન સ્ટેશનની સાથોસાથ, ટ્રેનોની જાળવણી અને સુરક્ષા માટે અત્યંત આધુનિક એવા રોલિંગ સ્ટોક ડેપોનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ડેપોને બુલેટ ટ્રેનની 'હોસ્પિટલ' તરીકે ઓળખવામાં આવી રહ્યો છે, કારણ કે અહીં ટ્રેનોનું ટેકનિકલ મેઈન્ટેનન્સ, સફાઈ અને પૂર્વનિર્ધારિત તપાસની કામગીરી ચોકસાઈપૂર્વક કરવામાં આવશે. આશરે 27 હેક્ટર જેટલી વિશાળ જમીન પર ફેલાયેલો આ ડેપો સુરત બુલેટ ટ્રેન સ્ટેશનથી માત્ર 2 કિલોમીટરના અંતરે દક્ષિણ તરફ બનાવવામાં આવી રહ્યો છે, જે પ્રોજેક્ટની કાર્યક્ષમતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ભૌગોલિક દૃષ્ટિએ આ ડેપોનું સ્થાન અત્યંત વ્યૂહાત્મક પસંદ કરવામાં આવ્યું છે. તે નિયોલ રેલ્વે સ્ટેશનની ઉત્તર દિશામાં અને સુરત-બારડોલી રોડ (NH-53) પાસે આવેલા અંત્રોલી ગામની નજીક સ્થિત છે. આ લોકેશન પસંદ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તે બુલેટ ટ્રેનના મુખ્ય રૂટ પર સીધું જોડાયેલું છે, જેનાથી ટ્રેનોને મેઈન્ટેનન્સ માટે મુખ્ય લાઈન પરથી ડેપો સુધી લાવવામાં સમયનો બચાવ થશે. ખાસ કરીને સુરત અને બિલીમોરા વચ્ચેના પ્રથમ તબક્કાના ટ્રાયલ રન અને ગતિશીલતા માટે આ ડેપો કરોડરજ્જુ સમાન સાબિત થશે. હાલમાં આઈઆરકોન ઈન્ટરનેશનલ કંપની દ્વારા અહીં વિવિધ પ્રકારના શેડ્સ, વર્કશોપ અને રેલવે ટ્રેક બિછાવવાની કામગીરી રાત-દિવસ ચાલી રહી છે.

આ ડેપોમાં માત્ર ટ્રેનોનું પાર્કિંગ જ નહીં, પરંતુ  ટેકનોલોજીના માપદંડો મુજબ અત્યાધુનિક મશીનરી પણ સ્થાપિત કરવામાં આવશે. જ્યારે બુલેટ ટ્રેન કાર્યરત થશે, ત્યારે દરેક સફર બાદ તેની ઝીણવટભરી તપાસ અને જરૂર જણાયે રિપેરિંગની કામગીરી આ 27 હેક્ટરના પરિસરમાં જ સંપન્ન થશે. હાઈ-સ્પીડ ટ્રેનની સુરક્ષામાં સહેજ પણ ચૂક ન રહે તે માટે અહીં વિશ્વસ્તરીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાની સાથે જ સુરત માત્ર પરિવહનનું જ નહીં, પરંતુ બુલેટ ટ્રેનની જાળવણી અને ટેકનિકલ હબ તરીકે પણ દેશના નકશા પર ઉભરી આવશે.