April 1, 2026
ગુજરાત

સુરત : તરસાડી જતી બસમાં લાગી ભીષણ આગ, 51 મુસાફરોનો બચાવ, ફાયર ફાઈટરોની જહેમત બાદ આગ કાબૂમાં... 

09:05:00 AM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરત : તરસાડી જતી બસમાં લાગી ભીષણ આગ,</strong></span> 51 મુસાફરોનો બચાવ, ફાયર ફાઈટરોની જહેમત બાદ આગ કાબૂમાં... </p>

સુરતના અત્યંત વ્યસ્ત ગણાતા કાપોદ્રા વિસ્તારમાં આજે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે સુરતથી તરસાડી જઈ રહેલી એક ST બસમાં રસ્તા વચ્ચે જ અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બસ જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ એન્જિનના ભાગેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. આ સમયે બસમાં કુલ 51 જેટલા મુસાફરો સવાર હતા, જેના કારણે એકક્ષણે મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ હતી. જોકે, ડ્રાઈવરની સતર્કતા અને મુસાફરોની સમયસૂચકતાને કારણે આગ વિકરાળ બને તે પહેલા જ તમામ મુસાફરો જીવ બચાવીને તાત્કાલિક અસરથી બસની બહાર નીકળી ગયા હતા. ગણતરીની મિનિટોમાં જ આગે સમગ્ર બસને પોતાની લપેટમાં લઈ લેતા બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી, પરંતુ આ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બસની બિલકુલ નજીકમાં જ એક પેટ્રોલપંપ આવેલો હોવાથી લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ફાયર ફાઈટરની ગાડીઓને સમયસર પહોંચવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. 

આખરે ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ ST વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.