સુરત : સગરામપુરાપોલીસ ચોકી પાસે જ વેપારી પર અસામાજિક તત્વોએ કર્યો ચપ્પુથી હુમલો, દારૂ પીવાની ના પાડતા મામલો બિચક્યો...
સુરતના નવસારી બજાર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના સગરામપુરા પોલીસ ચોકીની બિલકુલ બહાર જ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં એક હાર્ડવેરના વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. નવસારી બજારમાં હાર્ડવેરની દુકાન ધરાવતા બસંત બાઈદાન રામ જ્યારે પોતાની દુકાન ખોલવા માટે પહોંચ્યા, ત્યારે તેમની દુકાનની બહાર અસામાજિક તત્વો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોતાની માલિકીની દુકાન પાસે દારૂની બોટલો જોઈને વેપારીએ આ તત્વોને ત્યાં દારૂ ન પીવા અને ગંદકી ન કરવા માટે નમ્રતાથી ટકોર કરી હતી. જોકે, પોલીસનો જરા પણ ડર ન હોય તેમ ઉશ્કેરાયેલા આ તત્વોએ માનવતા અને કાયદો નેવે મૂકી વેપારી પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.
વેપારી બસંતભાઈ
આ હિંસક હુમલામાં વેપારી બસંતભાઈને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ ઇજાગ્રસ્ત થયાં હતા. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
વેપારીના જણાવ્યા અનુસાર, નવસારી બજાર અને સગરામપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો રોજિંદો આતંક વધી રહ્યો છે. ઇજાગ્રસ્ત વેપારીએ હોસ્પિટલના બિછાનેથી આ શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની અને સુરત પોલીસ પાસે ન્યાયની માંગણી કરી છે.