April 1, 2026
ક્રાઈમ

સુરતમાં કાપડ વેપારીના ત્રાસથી કંટાળી માતા-પુત્રનો આપઘાતનો પ્રયાસ: 3 કરોડ ફસાયા હોવાથી ઝેરી દવા ગટગટાવી

03:19:00 PM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરતમાં કાપડ વેપારીના ત્રાસથી કંટાળી માતા-પુત્રનો આપઘાતનો પ્રયાસ: </strong></span>3 કરોડ ફસાયા હોવાથી ઝેરી દવા ગટગટાવી</p>

સુરતના અશ્વનિકુમાર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવાન અને તેની માતાએ કાપડ વેપારી દ્વારા પૈસા ન ચૂકવાતા અને ઉપરથી ધમકીઓ અપાતા કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર સુરત ટેક્સટાઈલ માર્કેટ અને વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હાલમાં માતા-પુત્ર બંને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભોગ બનનાર યુવાન અશ્વનિકુમારના મોદી મહોલ્લામાં પોતાનું ગોડાઉન ધરાવે છે અને હોટ ફિક્સ મશીનનું કામ કરે છે.

યુવાને એક કાપડ વેપારી પાસેથી 3 કરોડથી વધુ રૂપિયા લેવાના નીકળતા હતા, આટલી મોટી રકમ ફસાયેલી હોવાને કારણે યુવાન લાંબા સમયથી માનસિક તણાવમાં હતો અને વારંવાર પોતાની ઉઘરાણી માટે વેપારીને વિનંતી કરતો હતો. વેપારીએ કુલ રકમમાંથી માત્ર 71 લાખ રૂપિયા યુવાનને ચૂકવ્યા હતા, જ્યારે બાકીના 2 કરોડથી વધુની રકમ ચૂકવવામાં તે આનાકાની કરી રહ્યો હતો. યુવાન જ્યારે પણ બાકીના પૈસાની માગણી કરતો, ત્યારે વેપારી દ્વારા તેને ખોટા વાયદાઓ આપીને રઝળાવવામાં આવતો હતો, જેના કારણે યુવાનની આર્થિક સ્થિતિ કથળી હતી.

ગઈકાલે કાપડ વેપારીએ યુવાનને સમાધાનના બહાને સલાબતપુરા પોલીસ મથકે બોલાવ્યો હતો. જોકે, ત્યાં પૈસા આપવાને બદલે વેપારીએ યુવાન પર જ ખોટો કેસ કરવાની અને જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી. પોલીસ સ્ટેશન જેવા સ્થળે મળેલી આ ધમકીથી યુવાન સાવ ભાંગી પડ્યો હતો. વેપારીની દાદાગીરી અને કાયદાકીય ફસામણીના ડરથી કંટાળીને યુવાને કાપડ વેપારીની નજર સામે જ પોતાની પાસે રાખેલી ઝેરી દવાની બોટલ કાઢીને ગટગટાવી લીધી હતી.

યુવાનને ઝેર પીતા જોઈને ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને યુવાનની તબિયત તરત જ લથડવા લાગી હતી.પુત્રની આવી હાલત જોઈને આઘાતમાં સરી પડેલી માતાએ પણ હોસ્પિટલ પહોંચ્યા બાદ ઝેરી દવા પી લીધી હતી. માતાએ હોસ્પિટલના સ્ટાફને પોતે ઝેર પીધું હોવાનું જણાવતા જ તબીબો ચોંકી ઉઠ્યા હતા અને તેમને પણ તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ માતા-પુત્ર બંનેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. સલાબતપુરા પોલીસ મથકે શું બન્યું હતું તેની વિગતો પણ એકઠી કરવામાં આવી રહી છે.