વોટ્સએપ પર આવતી RTO ચલણની લિંક ખાલી કરી દેશે બેંક એકાઉન્ટ, સુરત પોલીસે ઘાટકોપરથી બે શખ્સોને દબોચ્યા

સુરત સાયબર ક્રાઇમ સેલે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી છે. વોટ્સએપ પર બનાવટી RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરતી કુખ્યાત 'જામતારા ગેંગ'ના બે સાગરીતોને પોલીસે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ સામાન્ય નાગરિકોને ભોળવીને તેમના મોબાઈલનો ડેટા ચોરી કરી લાખો રૂપિયા પડાવતા હતા. આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ગંભીર હતી.
આરોપીઓ વાહન ચાલકોને ટાર્ગેટ કરીને તેમના વોટ્સએપ નંબર પર એક મેસેજ મોકલતા હતા, જેમાં જણાવવામાં આવતું કે તેમનું ટ્રાફિક ચલણ પેન્ડિંગ છે. આ મેસેજ સાથે એક શંકાસ્પદ 'APK ફાઇલ' મોકલવામાં આવતી હતી. જેવી વ્યક્તિ આ ફાઇલ પર ક્લિક કરી તેને ઇન્સ્ટોલ કરે, કે તરત જ આરોપીઓ તે વ્યક્તિના મોબાઈલ ફોનનો સંપૂર્ણ એક્સેસ મેળવી લેતા હતા અને OTP ચોરીને બેંક એકાઉન્ટ સાફ કરી નાખતા હતા. તાજેતરમાં સુરતના એક ફરિયાદી આ ગેંગનો શિકાર બન્યા હતા. આરોપીઓએ ફરિયાદીના મોબાઈલમાં આ ડમી ફાઇલ ઇન્સ્ટોલ કરાવીને તેમના બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 9,60,000 ટ્રાન્સફર કરી લીધા હતા.
પોતાની સાથે થયેલી આ મોટી છેતરપિંડીની જાણ થતા જ ભોગ બનનાર વ્યક્તિએ સુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક સાધ્યો હતો, જેના આધારે પોલીસે ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. સુરત પોલીસે આ કેસમાં ટેકનિકલ વર્કઆઉટ અને બેંક એકાઉન્ટની વિગતોના આધારે મુંબઈમાં તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફ્રોડના નાણાં મુંબઈની યસ બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે. પોલીસે ઘાટકોપર ખાતે દરોડો પાડી 42 વર્ષીય રિક્ષા ચાલક નિલેશ કલમ્બે અને 18 વર્ષીય વિદ્યાર્થી વૈષ્ણવ દાંગડની ધરપકડ કરી હતી.
આ બંને આરોપીઓ કમિશનની લાલચમાં જામતારા ગેંગ માટે કામ કરતા હોવાનું ખૂલ્યું છે. પકડાયેલા આરોપીઓ બેંકમાં ખાતા ખોલાવી, ફ્રોડના નાણાં તેમાં જમા કરાવતા હતા. રકમ જમા થયા બાદ તેઓ તુરંત પૈસા ઉપાડી લેતા અને પોતાનું કમિશન રાખી બાકીની રકમ મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડતા હતા. પોલીસે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન આ ટોળકીએ અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે અને ગેંગનો મુખ્ય માસ્ટર માઈન્ડ કોણ છે તેની તપાસ કરવામાં આવશે. સુરત સાયબર ક્રાઇમના DCP બીશાખા જૈને આ તકે જનતાને સાવચેત રહેવા અપીલ કરી છે.