April 1, 2026
ગુજરાત

મોજ કે મુસીબત? સુરતમાં સમારકામ હેઠળનો બ્રિજ બન્યો 'ક્રિકેટ સ્ટેડિયમ' અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?

05:32:00 PM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>મોજ કે મુસીબત? </strong></span>સુરતમાં સમારકામ હેઠળનો બ્રિજ બન્યો 'ક્રિકેટ સ્ટેડિયમ' અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?</p>

સુરતીઓ ગમે તેવી પરિસ્થિતિમાં પોતાની મોજ શોધી લેવા માટે જાણીતા છે, પરંતુ ક્યારેક આ મોજ મોટી મુસીબત નોતરી શકે છે. હાલમાં સુરતના ડભોલી-જહાંગીરપુરા બ્રિજના સમારકામ માટે એક સાઈડ બંધ કરવામાં આવતા, સ્થાનિક યુવાનોએ આ સ્થળને જાણે 'પ્લે ગ્રાઉન્ડ' બનાવી દીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બ્રિજ પર રાત્રિના સમયે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, ડભોલી-જહાંગીરપુરા બ્રિજ પર સમારકામની કામગીરી ચાલતી હોવાથી તેની એક બાજુનો ભાગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

આ ખાલી પડેલી જગ્યા અને ખાસ કરીને BRTS લેનનો ઉપયોગ સ્થાનિક યુવાનો ક્રિકેટ રમવા માટે કરી રહ્યા છે. રાત્રે 9 વાગ્યા પછી અહીં એકસાથે 10 થી 15 જેટલી ક્રિકેટ મેચો રમાતી જોવા મળે છે, જે કોઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ જેવો નજારો ઊભો કરે છે. આ રમત માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે અત્યંત જોખમી પણ સાબિત થઈ રહી છે. ક્રિકેટ રમતી વખતે બોલ વારંવાર ચાલુ રોડ પર જતો હોવાથી વાહનચાલકો અચાનક બ્રેક મારે છે, જેના કારણે પાછળ આવતા વાહનો સાથે અથડાવાનો ભય રહે છે.

બ્રિજની એક સાઈડ બંધ હોવા છતાં અનેક વાહનચાલકો ટૂંકો રસ્તો અપનાવવા 'રોંગ સાઈડ' એન્ટ્રી કરી રહ્યા છે, જે અકસ્માતને સીધું આમંત્રણ આપી રહ્યા છે.  નોંધનીય છે કે આ બ્રિજની સમારકામની કામગીરી આગામી 30 એપ્રિલ 2026 સુધી ચાલવાની છે. ત્યાં સુધી આ રીતે બ્રિજ પર રમતગમત ચાલુ રહેશે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

સ્થાનિક રહીશોમાં પણ ચર્ચા છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? બ્રિજ પર સુરક્ષા જાળવવી અને આવા જોખમી ખેલને રોકવા પોલીસ અને મહાનગરપાલિકા માટે મોટો પડકાર બની ગયો છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ લોકો માંગ કરી રહ્યા છે કે બ્રિજ પર જ્યાં કામ ચાલે છે ત્યાં યોગ્ય બેરિકેટિંગ કરવામાં આવે અને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી કોઈનો જીવ જોખમમાં ન મુકાય.