હવે તો થાક્યા....મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે સુરતમાં ભાજપ શાસન સામે પોસ્ટર રૂપી આક્રોશ
રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સુરત શહેરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રાતોરાત લાગેલા ભાજપ વિરોધી પોસ્ટરોએ રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે. આ પોસ્ટરોમાં જનતાના પાયાના પ્રશ્નોને વાચા આપી શાસક પક્ષ પ્રત્યેનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. ડિંડોલીના મુખ્ય માર્ગો, અલગ-અલગ સોસાયટીઓના વિસ્તારો અને જાહેર સર્કલો પર અજાણ્યા શખ્સો દ્વારા આ વિરોધ પ્રદર્શન કરતા બેનરો લગાવવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે વહેલી સવારથી જ સ્થાનિક રહીશો અને રાજકીય કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.પોસ્ટરોમાં મુખ્યત્વે મોંઘવારી, મોંઘું શિક્ષણ, ભ્રષ્ટાચાર, દારૂ-ડ્રગ્સનું દૂષણ અને ટ્રાફિક જામ જેવી રોજીંદી સમસ્યાઓને કેન્દ્રમાં રાખવામાં આવી છે. પોસ્ટરમાં સૂત્રાત્મક લખાણ લખાયું છે કે"આ મોંઘવારીથી હવે તો થાક્યા, આ મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા, આ ભ્રષ્ટાચારથી હવે તો થાક્યા, આ ટ્રાફિક જામથી હવે તો થાક્યા.
આ પોસ્ટરોની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, તેમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રતીક 'કમળ' પર લાલ રંગથી ક્રોસનું નિશાન મારવામાં આવ્યું છે. આ નિશાન સીધો રાજકીય સંદેશ આપી રહ્યું છે કે જનતા હવે શાસન પરિવર્તન અથવા વર્તમાન સ્થિતિથી નારાજ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક હોવાથી આ પ્રકારના 'પોસ્ટર વોર'ને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. વિપક્ષી પાર્ટીઓ કે કોઈ જનજાગૃતિ જૂથ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની અટકળો તેજ બની છે.સોશિયલ મીડિયા પર પણ આ પોસ્ટરોના ફોટા વાયરલ થતા રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઈ છે.
અત્યાર સુધી કોઈ પણ પક્ષ કે સંગઠને આ પોસ્ટરો લગાવવાની જવાબદારી સ્વીકારી નથી. જોકે, ચૂંટણી પહેલા આ પ્રકારે જાહેર જનતાના પ્રશ્નોને પોસ્ટર દ્વારા ઉઠાવવા તે સુરતના રાજકારણમાં એક નવા વળાંકના સંકેત આપી રહ્યું છે. આગામી દિવસોમાં આ મામલે સત્તાધારી પક્ષ કે વિપક્ષ દ્વારા કેવો પ્રતિસાદ આપવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.