હચમચાવી દે તેવી ઘટના! ડિંડોલીમાં ગેસ લીકેજ બાદ લાઈટની સ્વીચ પાડતા જ સર્જાયો પ્રચંડ વિસ્ફોટ, બે માસૂમ બાળકો સહિત 4 દાઝયા
સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટી ગત સાંજે એક ભયાનક દુર્ઘટનાની સાક્ષી બની હતી, જેમાં એક વ્યક્તિની લાલચ અને ગેરકાયદેસર પ્રવૃત્તિએ એક હસતા-રમતા પરિવારને હોસ્પિટલના બિછાને ધકેલી દીધો છે. ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગના ચાલી રહેલા કાળા કારોબાર દરમિયાન સર્જાયેલા ગેસ લીકેજને કારણે અચાનક 'ફ્લેશ ફાયર' થતા અફરાતફરી મચી ગઈ હતી. આ આગની લપેટમાં આશાદેવી વિક્રમ કાપર (ઉ.વ. 30) અને તેમના બે અત્યંત નાના બાળકો—7 વર્ષીય માધુરી અને 3 વર્ષીય દિવ્યાંશ—ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ચીસાચીસ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી 108 એમ્બ્યુલેન્સ મારફતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં રિફિલિંગ કરનાર પવન ખટીક નામનો શખ્સ પણ દાઝ્યો હતો, જે હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, જ્યારે માતા અને બે માસૂમ બાળકો સરકારી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે.
આ કરૂણ ઘટના પાછળની વિગતો તપાસતા ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી છે. વિક્રમ કાપર, જેઓ જરીકામ કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમણે આક્ષેપ કર્યો હતો કે પવન ખટીક નામનો શખ્સ તેમની રૂમની બાજુમાં જ ચોરીછૂપીથી ગેસના મોટા સિલિન્ડરમાંથી નાના બાટલામાં ગેસ ભરવાનું જોખમી કામ કરતો હતો. તંત્રની કડક કાર્યવાહીના ડરથી તેણે પોતાની દુકાન બંધ કરીને રહેણાંક વિસ્તારની એક નાની રૂમમાં આ ગોરખધંધો શરૂ કર્યો હતો. ગેસ રિફિલિંગ દરમિયાન આખી રૂમમાં ગેસ ફેલાઈ ગયો હતો. જ્યારે વિક્રમની પુત્રી માધુરી ગેસની દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરવા પવન પાસે ગઈ અને પવને રૂમમાં જઈ લાઈટની સ્વીચ ચાલુ કરી, ત્યારે જ વીજળીના તણખા સાથે રૂમમાં ભરેલા ગેસે વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સમયે રૂમની બહાર બેઠેલા માતા અને બાળકો આ અગનજ્વાળાઓની લપેટમાં આવી ગયા હતા. સદનસીબે પરિવારના અન્ય બે બાળકો ટ્યુશન ગયા હોવાથી આ કાળમુખી આગમાંથી બચી ગયા હતા.
સૌથી વધુ વ્યથાની વાત એ છે કે આ દુર્ઘટના અટકાવી શકાઈ હોત. ઈજાગ્રસ્ત આશાદેવીએ અગાઉ બે-ત્રણ વાર પવન ખટીકને આ પ્રવૃત્તિ બંધ કરવા વિનંતી કરી હતી. તેમણે પવનને સમજાવ્યો હતો કે આસપાસ નાના બાળકો રહે છે અને આ પ્રકારનું કામ ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. આમ છતાં, નફાખોરીમાં અંધ બનેલા પવને આ ચેતવણીઓને નજરઅંદાજ કરી હતી અને માત્ર 6-7 દિવસ પહેલા જ શરૂ કરેલો આ ગેરકાયદે ધંધો ચાલુ રાખ્યો હતો. હાલમાં ડિંડોલી પોલીસ આ મામલે ઉંડી તપાસ ચલાવી રહી છે.
ઘટના અંગે તપાસ કરનાર ડિંડોલી પોલીસ સ્ટેશનન PSI બી.એ.ગોહિલએ આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે પવન ખટીક ગેસ રીપેરીંગની ધંધો કરે છે અને પરિવારના ઘરે ગેસનો ચૂલો રીપેરીંગ કરવા માટે ગયો હતો ત્યારે ગેસ લીકેજ થવાથી આગ લાગી હતી, જોકે આ ઘટના અંગે તમામ તપાસ ચાલી રહી છે.