સુરત : ડીંડોલીમાં નજીવી બાબતે બોલાચાલી બાદ યુવક પર બીજા યુવકે હથિયારથી કર્યો હુમલો, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો...
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી મહાદેવ નગર-3 સોસાયટીમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સામાન્ય વાતચીત દરમિયાન મામલો એટલો બિચક્યો હતો કે એક આવેશમાં આવેલા યુવકે ઉશ્કેરાઈ જઈને બીજા યુવક પર તીક્ષ્ણ હથિયારના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. દિવસે બનેલી આ હિંસક ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને જોતજોતામાં ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર મહાદેવ નગર વિસ્તારમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસે પ્રાથમિક તપાસમાં હુમલાખોરની ઓળખ કરી લીધી છે અને તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને આ ઝઘડા પાછળનું મુખ્ય કારણ શું હતું તે દિશામાં ઉંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.