સુરતના ડુમસ રોડ પર મહેક ફાર્મમાં પંડાલના વેસ્ટેજમાં લાગી ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા...
સુરતના ડુમસ રોડ પર આવેલા પ્રખ્યાત મહેક ફાર્મમાં આજે બપોરે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગત દિવસોમાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે ફાર્મમાં પંડાલનો જે ભંગાર અને વેસ્ટેજ સામાન પડ્યો હતો, તેમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આ આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં કિલોમીટરો દૂર સુધી દેખાયા હતા, જેને જોઈને સ્થાનિકોમાં ભારે ફાળ પડી હતી.
ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે પંડાલના કાપડ, લાકડા અને અન્ય જ્વલનશીલ વેસ્ટેજ મટીરીયલને કારણે તે સતત પ્રસરી રહી હતી. ફાયર ફાઇટરોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ વાવાઝોડા બાદ બાકી રહેલા પંડાલના સ્ટ્રક્ચર અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ જતાં મોટા આર્થિક નુકશાનની આશંકા સેવાઈ રહી છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.