સુરત : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ...
સુરત જિલ્લામાં લોકશાહીના મહાપર્વનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓના કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. સૌરભ પારઘીના નેતૃત્વમાં સમગ્ર વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. સુરત જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયતો અને વિવિધ નગરપાલિકાઓની ચૂંટણીઓને નિષ્પક્ષ અને પારદર્શી રીતે સંપન્ન કરાવવા માટે આદર્શ આચારસંહિતાનો અત્યંત ચુસ્ત અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે આચારસંહિતાનો ભંગ સાંખી લેવામાં આવશે નહીં, જેના માટે વિશેષ તકેદારી ટીમોને મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. ડો. સૌરભ પારઘીએ, જિલ્લા ચૂંટણી અધિકારી, નોડલ ઓફિસરો તેમજ R.O. અને A.R.O. સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજી યોજી હતી.
ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ડો. સૌરભ પારઘીએ નોડલ ઓફિસરો તેમજ R.O. અને A.R.O. સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજીને દરેક પાસાઓનું બારીકાઈથી ‘માઈક્રો પ્લાનિંગ’ કર્યું છે. આ બેઠકમાં તેમણે અધિકારીઓને સ્પષ્ટ હોમવર્ક સોંપ્યું છે જેથી મતદાનના દિવસે કોઈ પણ તકનીકી કે વહીવટી ક્ષતિ ન સર્જાય. ખાસ કરીને ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓને 'માસ્ટર ટ્રેનિંગ' આપીને સજ્જ કરવામાં આવી રહ્યા છે, જેથી સમગ્ર પ્રક્રિયા ઝીરો ટોલરન્સ પોલિસી હેઠળ પૂર્ણ કરી શકાય.
રાજ્ય સ્તરેથી પણ ચૂંટણીની તૈયારીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. મુરલીક્રિષ્નાએ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, જેમાં સુરત કલેક્ટરે જિલ્લાની વ્યુહરચના અને અત્યાર સુધીની કામગીરીનો સચોટ ચિતાર રજૂ કર્યો હતો. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની રણનીતિ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
માત્ર વહીવટી તૈયારીઓ જ નહીં, પરંતુ જનભાગીદારી વધારવા માટે પણ સુરત જિલ્લા તંત્ર કટિબદ્ધ દેખાઈ રહ્યું છે. "મતદાન એ જ મહાદાન" ના મંત્રને સાર્થક કરવા માટે આગામી દિવસોમાં જિલ્લાભરમાં લોકજાગૃતિના અનેક કાર્યક્રમો યોજવામાં આવશે. મતદારોમાં ઉત્સાહ વધારવા માટે ઠેર-ઠેર સેલ્ફી પોઈન્ટ્સ ઊભા કરવામાં આવશે અને શેરી નાટકો દ્વારા મતદાનનું મહત્વ સમજાવવામાં આવશે. આ રીતે, વહીવટી કડકાઈ અને જનજાગૃતિના સમન્વય સાથે સુરત જિલ્લો 2026ની આ ચૂંટણીઓને લોકશાહીના સાચા પર્વ તરીકે ઉજવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયો છે.