April 2, 2026
ગુજરાત

પનીરના નામે પામ ઓઇલનું વેચાણ! સુરત SOGએ પાંડેસરામાંથી ઝડપાયેલા 1401 કિલો પનીરનો રિપોર્ટ આવ્યો ફેલ, વેપારી સામે નોંધાશે ગુનો...

01:49:00 PM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>પનીરના નામે પામ ઓઇલનું વેચાણ! </strong></span>સુરત SOGએ પાંડેસરામાંથી ઝડપાયેલા 1401 કિલો પનીરનો રિપોર્ટ આવ્યો ફેલ, <strong>વેપારી સામે નોંધાશે ગુનો...</strong></p>

સુરત શહેરમાં ખાણીપીણીમાં ભેળસેળ કરનારા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે, જેમાં પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાયેલા નકલી પનીરના મામલે એક મોટો ખુલાસો થયો છે. અંદાજે 25 દિવસ પહેલા સુરત એસ.ઓ.જી. (SOG) પોલીસ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં આવેલા એક ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન તંત્રએ રૂ. 3 લાખથી વધુની કિંમતનો 1401 કિલોગ્રામ પનીરનો શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો. આ સાથે જ સ્થળ પરથી પામોલીન તેલના 16 જેટલા ડબ્બા મળી આવતા આ પનીર ભેળસેળિયું હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી હતી, જેના નમૂનાઓ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.

લાંબા સમયની પ્રતીક્ષા બાદ હવે આ પનીરના નમૂનાનો રિપોર્ટ 'ફેલ' આવ્યો છે, જેણે સુરતીઓના આરોગ્ય સાથે રમાતી ભયાનક રમતનો પર્દાફાશ કર્યો છે. લેબોરેટરી રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે આ પનીરમાં ફેટની માત્રા નિયત ધોરણો કરતા ઘણી ઓછી હતી અને તેમાં શુદ્ધ દૂધને બદલે પામોલીન ઓઇલનું મિશ્રણ કરવામાં આવ્યું હતું. વનસ્પતિ તેલનો ઉપયોગ કરીને પનીર જેવો પદાર્થ તૈયાર કરી તેને બજારમાં અસલી પનીર તરીકે પધરાવવાનું મોટું કૌભાંડ આ ગોડાઉન દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. રિપોર્ટ નેગેટિવ આવતા જ એસ.ઓ.જી. પોલીસ હવે આ મામલે કાયદેસરની કાર્યવાહી તેજ કરશે અને ભેળસેળિયા પનીર વિક્રેતા સામે કડક કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરશે.સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડી.ડી. ઠાકોર

આ મામલે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડી.ડી. ઠાકોરે માહિતી આપતા જણાવ્યું હતું કે, પાંડેસરામાંથી ઝડપાયેલા જથ્થાના રિપોર્ટમાં પામ ઓઇલની હાજરી સાબિત થઈ છે, જે ખાધ્ય સુરક્ષાના ધોરણો મુજબ ગંભીર બેદરકારી છે. આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ જ આશરે 1401 કિલો પનીરનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ હવે રિપોર્ટના આધારે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. તહેવારો અને સામાન્ય દિવસોમાં પણ પનીરનો વપરાશ વધતા આવા લેભાગુ તત્વો સક્રિય થાય છે, જે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આગામી દિવસોમાં સુરતના અન્ય વિસ્તારોમાં પણ ફૂડ વિભાગ દ્વારા કડક તપાસ અભિયાન ચલાવવામાં આવે તેવી શક્યતા છે.