સુરતીઓના આરોગ્ય સાથે રમત કરનારા સાવધાન! પનીરના નામે કંઈક બીજું જ તો નથી પીરસાઈ રહ્યું ને? SOGનું મોટું ઓપરેશન

સુરત શહેરમાં ખાણીપીણીના શોખીનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ લાલ આંખ કરી છે. રાજ્ય સરકારના કડક આદેશ બાદ એક્શન મોડમાં આવેલી સુરત SOGની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મોટી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને જાણીતી આંતરરાષ્ટ્રીય ફૂડ ફ્રેન્ચાઈઝીસ પર આકસ્મિક દરોડા પાડી તપાસ હાથ ધરી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં વેચાતા શુદ્ધ પનીર અને વનસ્પતિ તેલમાંથી બનતા 'એનાલોગ પનીર' વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો છે. પોલીસ અને તંત્ર દ્વારા આ મામલે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે વેપારીઓએ ગ્રાહકોને અંધારામાં રાખીને નકલી કે મિશ્રિત પનીર પીરસી શકાશે નહીં.
SOGની આ કાર્યવાહી દરમિયાન શહેરના પોશ વિસ્તારોમાં આવેલી પ્રખ્યાત ખાણીપીણીની જગ્યાઓ જેવી કે રિચી રિચ, લા પિનોઝ પિઝા, ટાકો બેલ, બર્ગર કિંગ અને KFC જેવા આઉટલેટ્સ પર તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત મસાલા કિચન અને લા કાફે ટેરિયા જેવા સ્થાનિક લોકપ્રિય એકમોમાં પણ તપાસનો દોર ચાલ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓએ કિચનમાં વપરાતા પનીરની ગુણવત્તા ચકાસી હતી અને સંચાલકોને કડક શબ્દોમાં સૂચના આપી હતી કે જો તેઓ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા હોય, તો ગ્રાહકોને તેની જાણકારી આપવી અનિવાર્ય છે. આ મામલે હોટલ સંચાલકોને યોગ્ય સમજણ આપી કાયદાકીય જોગવાઈઓથી વાકેફ કરવામાં આવ્યા હતા.
કડક સૂચના આપવામાં આવી
તંત્ર દ્વારા તમામ ખાદ્ય એકમોને તાત્કાલિક ધોરણે નોટિસ બોર્ડ પ્રદર્શિત કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ નોટિસ બોર્ડ પર સ્પષ્ટપણે લખવાનું રહેશે કે સંસ્થા દ્વારા શુદ્ધ પનીરનો ઉપયોગ થાય છે કે એનાલોગ પનીરનો. આગામી 10 એપ્રિલ સુધીમાં તમામ હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં આ બોર્ડ લગાવવા માટેની અંતિમ મુદ્દત આપવામાં આવી છે. જો કોઈ વેપારી આ સૂચનાનું ઉલ્લંઘન કરશે અથવા ગ્રાહકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરશે, તો તેમની સામે 10 લાખ રૂપિયા સુધીનો ભારે દંડ અને કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. સુરત પોલીસની આ સક્રિયતાને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ગ્રાહકોમાં સુરક્ષિત આહાર બાબતે આશા જાગી છે.