ટિન્ડર એપ પર થયેલી મિત્રતા ભારે પડી: જમીન દલાલને હોટલમાં બોલાવી, ભોજનમાં ઘેની પદાર્થ આપી 8.95 લાખના દાગીનાની લૂંટ
સુરત શહેરના શાહપોર વિસ્તારમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા 39 વર્ષીય યુવક સાથે હનીટ્રેપ જેવો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ડેટિંગ એપ 'ટિન્ડર' મારફતે સંપર્કમાં આવેલી એક મહિલાએ યુવકને હોટલના રૂમમાં મળવા બોલાવ્યો હતો અને તેના ભોજનમાં ઘેની પદાર્થ ભેળવી બેભાન કર્યા બાદ 8.95 લાખ રૂપિયાના સોનાના દાગીના લૂંટીને ફરાર થઈ ગઈ હતી. આ મામલે યુવકે પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સોપારીના વેપારના બહાને હોટલમાં ગોઠવી મુલાકાત
પ્રાપ્ત વિગતો અનુસાર, શાહપોર વિસ્તારમાં ચિંતામણી જૈન દેરાસર સામે રહેતા પ્રશાંતભાઈ શશીકાંતભાઈ શાહ (ઉ.વ. 39) જમીન દલાલ અને શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ટિન્ડર એપ્લિકેશન દ્વારા તેઓ સારિકા ગુપ્તા નામની મહિલાના સંપર્કમાં આવ્યા હતા. વાતચીત દરમિયાન સારિકાએ પોતાની ઓળખ સોપારીના વેપારી તરીકે આપી હતી અને સુરતમાં અન્ય વેપારીઓને મળવા આવતી હોવાનું જણાવ્યું હતું. સોપારીના ધંધામાં રસ દાખવી પ્રશાંતભાઈએ મુલાકાતની તૈયારી દર્શાવી હતી. તારીખ 8/11/2025 ના રોજ સારિકાએ પ્રશાંતભાઈને પાલનપુર કેનાલ રોડ પર આવેલા કેનાલ વોક શોપર્સના 5 મા માળે આવેલી 'હોટલ ફોર સિઝન'માં સાંજે 6:00 વાગ્યે મળવા બોલાવ્યા હતા અને સાથે જમવાનું લાવવા જણાવ્યું હતું.
વિડીયો કોલનું બહાનું કાઢી ભોજનમાં ભેળવ્યો ઘેની પદાર્થ
પ્રશાંતભાઈ હોટલ પર જમવાનું લઈને પહોંચ્યા ત્યારે સારિકાએ અન્ય વેપારીઓને આવતા વાર લાગશે તેમ કહી જમવાની શરૂઆત કરાવી હતી. થોડીવાર બાદ પરિવારનો વિડીયો કોલ આવતો હોવાનું બહાનું કાઢી સારિકાએ પ્રશાંતભાઈને બાથરૂમમાં સંતાઈ જવા કહ્યું હતું. આ સમયગાળાનો લાભ લઈ તેણે ભોજનમાં ઘેની પદાર્થ ભેળવી દીધો હતો. પ્રશાંતભાઈ બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે પોતાને ભૂખ ન હોવાનું કહી સારિકાએ તેમને જમી લેવા આગ્રહ કર્યો હતો. ઝેરી અસરવાળું ભોજન લેતા જ પ્રશાંતભાઈ બેભાન થઈ ગયા હતા.
14 કલાક બાદ ભાનમાં આવતા લૂંટની જાણ થઈ
મહિલાએ જમવામાં ભેળવેલો ઘેની પદાર્થ એટલો સખત હતો કે પ્રશાંતભાઈ સીધા 14 કલાક બાદ એટલે કે બીજા દિવસે સવારે 4:00 વાગ્યે ભાનમાં આવ્યા હતા. હોશમાં આવતા તેમને માલુમ પડ્યું કે સારિકા હોટલમાંથી ફરાર થઈ ગઈ હતી અને તેમના શરીર પર પહેરેલી સોનાની ચેઈન તથા 2 વીંટી મળી કુલ 8.95 લાખ રૂપિયાના દાગીના ગાયબ હતા.
પાલ પોલીસ મથકમાં ગુનો દાખલ, પોલીસ તપાસ શરૂ
પોતાની સાથે થયેલી આ છેતરપિંડી અને લૂંટનો અહેસાસ થતાં પ્રશાંતભાઈએ તાત્કાલિક પાલ પોલીસ મથકનો સંપર્ક કરી સારિકા ગુપ્તા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં પોલીસ હોટલના સીસીટીવી (CCTV) ફૂટેજ અને મોબાઈલ નંબરના આધારે આ ભેદી મહિલાને પકડી પાડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.