April 9, 2026
ગુજરાત

એક ક્લિક અને બરબાદીની શરૂઆત : સુરતમાં આ એપ પર પ્રેમની જાળ બિછાવી હનીટ્રેપ રચતી ગેંગનો જહાંગીરપુરા પોલીસે કર્યો પર્દાફાશ... 

09:57:00 AM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>એક ક્લિક અને બરબાદીની શરૂઆત :</strong></span> સુરતમાં આ એપ પર પ્રેમની જાળ બિછાવી હનીટ્રેપ રચતી ગેંગનો જહાંગીરપુરા પોલીસે કર્યો પર્દાફાશ... </p>

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ટેકનોલોજીનો દુરુપયોગ કરી નિર્દોષ યુવકોને હનીટ્રેપમાં ફસાવતી એક રીઢા ગુનેગારોની ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ખાસ કરીને સમલૈંગિક પુરુષો માટેની જાણીતી 'Grindr' ડેટિંગ એપ્લિકેશનનો સહારો લઈ શિકાર શોધતી હતી. મળતી માહિતી અનુસાર, આરોપીઓ આ એપ પર નકલી અને આકર્ષક પ્રોફાઈલ બનાવી યુવકો સાથે મિત્રતા કેળવતા હતા અને ત્યારબાદ તેમને મળવા માટે જહાંગીરપુરાના અવાવરુ ખેતરો કે નિર્જન સ્થળોએ બોલાવતા હતા. જ્યારે કોઈ યુવક તેમના મળવાના સ્થાને પહોંચતો, ત્યારે ગેંગના સભ્યો પૂર્વનિર્ધારિત કાવતરા મુજબ ત્યાં પહોંચી જતા અને પીડિત સાથે અશ્લીલ ચેષ્ટાઓ કરી તેના વિડિયો ઉતારી લેતા હતા.

ધમકી અને બ્લેકમેલિંગનો ખેલ
વિડિયો ઉતાર્યા બાદ આ ગેંગ અસલી સ્વરૂપ ધારણ કરતી હતી. પીડિત યુવકોને સોશિયલ મીડિયા પર વિડિયો વાઇરલ કરવાની અથવા તો તેમના માતા-પિતા અને પરિવારને આ વિડિયો બતાવી સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી. આ ડરનો લાભ ઉઠાવી આરોપીઓ યુવકો પાસેથી મોટી રકમની માંગણી કરતા હતા. તાજેતરમાં જ એક ફરિયાદી યુવક આ ગેંગની જાળમાં ફસાયો હતો, જેની પાસેથી આરોપીઓએ વિડિયો બતાવી ડરાવી-ધમકાવીને 30,000 રૂપિયા પડાવી લીધા હતા. અંતે હિંમત હાર્યા વગર ભોગ બનનાર યુવકે પોલીસનો સંપર્ક કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

પોલીસ કાર્યવાહી અને ગુનાહિત ઈતિહાસ
જહાંગીરપુરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે, જેમાં રીક્ષા ચાલક નરેશ ઉર્ફે નરીયો મારૂ અને રત્નકલાકાર રાજુ મેરનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી નરેશ અગાઉ પણ હત્યા અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે, જ્યારે રાજુ મેર અગાઉ પણ આ રીતે લોકોને બ્લેકમેલ કરીને નાણાં પડાવવામાં માહેર છે. પોલીસે જ્યારે આરોપીઓના મોબાઈલ ફોન કબજે કર્યા ત્યારે તેમાં અન્ય ઘણા યુવકોના વાંધાજનક વિડિયો મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ ગેંગે લાંબા સમયથી અનેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા હશે.

હાલમાં પોલીસ આ વિડિયોના આધારે અન્ય પીડિતોની ઓળખ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.