April 1, 2026
ગુજરાત

સુરતના જહાંગીરપુરામાં લક્ઝુરિયસ એપાર્ટમેન્ટના 14માં માળે ભીષણ આગ, સદનસીબે જાનહાનિ ટળી

11:22:00 AM
Save
Mar 25, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરતના જહાંગીરપુરામાં લક્ઝુરિયસ એપાર્ટમેન્ટના 14માં માળે ભીષણ આગ,</strong></span> સદનસીબે જાનહાનિ ટળી</p>

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી એક આલીશાન હાઈરાઈઝ બિલ્ડિંગમાં આજે આગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જહાંગીરપુરા કેનાલ રોડ પર સ્થિત 'સ્વર્ણ લાગોમ' નામની રેસિડેન્સીના 'B' બિલ્ડિંગના ૧૪માં માળે આવેલા એક ફ્લેટના રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. 14માં માળ જેવા ઊંચા લેવલ પર આગ લાગતા આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. 

બિલ્ડિંગના 14માં માળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને સ્થાનિક રહીશો અને એપાર્ટમેન્ટના અન્ય સભ્યો તાત્કાલિક દોડી આવ્યા હતા. સતર્ક નાગરિકોએ સમયસૂચકતા વાપરીને આ અંગેની જાણકારી તાત્કાલિક સુરત ફાયર બ્રિગેડ વિભાગને કરી હતી. આગ વધુ ફેલાય તે પહેલા જ લોકોએ બિલ્ડિંગ ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. આગની માહિતી મળતા જ જહાંગીરપુરા અને નજીકના ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

હાઈરાઈઝ બિલ્ડિંગ હોવાથી ફાયર જવાનોએ આધુનિક સાધનોની મદદથી 14માં માળ સુધી પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. ગણતરીની મિનિટોમાં જ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. ફાયર વિભાગના કર્મચારીઓના પ્રાથમિક નિરીક્ષણ મુજબ, આ આગ લાગવાનું મુખ્ય કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું જણાઈ રહ્યું છે. ફ્લેટના રૂમમાં રહેલા ઇલેક્ટ્રિક બોર્ડ અથવા વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, સદનસીબે આગ માત્ર એક રૂમ પૂરતી મર્યાદિત રહી હતી અને અન્ય ફ્લેટ સુધી ફેલાઈ શકી નહોતી. ભીષણ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગી ત્યારે ફ્લેટમાં હાજર લોકો સમયસર બહાર નીકળી ગયા હતા.

જોકે, આગને કારણે રૂમમાં રહેલા ફર્નિચર અને અન્ય કિંમતી સામાનને મોટું નુકસાન થયું હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.ફાયર વિભાગે આ ઘટના બાદ નાગરિકોને અપીલ કરી છે કે ઉનાળાની શરૂઆત સાથે જ વીજ વપરાશ વધતો હોય છે, તેથી ઘરના વાયરિંગ અને ઇલેક્ટ્રિક ઉપકરણોની નિયમિત તપાસ કરાવવી જોઈએ. કોઈપણ નાની બેદરકારી મોટી દુર્ઘટનામાં પરિણમી શકે છે. હાલમાં ઘટનાસ્થળે કૂલિંગની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે અને સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.