રિક્ષાચાલકે બિભત્સ ઈશારા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, સુરતના કતારગામમાં મહિલા મુસાફરની છેડતી
સુરતના કતારગામ વિસ્તારમાં એક મહિલા મુસાફર સાથે ઓટો રિક્ષાચાલકે ગેરવર્તણૂક અને છેડતી કરી હતી. રિક્ષાચાલકે મહિલાના ફોટા પાડી, પોલીસમાં પોતાની ઓળખાણ હોવાનો રોફ જમાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો કતારગામ પોલીસ મથકે પહોંચ્યો છે.
રિક્ષાચાલકે શૌચાલય પાસેથી કર્યા બિભત્સ ઈશારા
પ્રાપ્ત વિગતો અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાના ઘરે જવા માટે ઓટો રિક્ષામાં બેઠી હતી. મુસાફરી દરમિયાન રિક્ષાચાલકે કતારગામમાં આવેલી આંબા તલાવડી પાસે રિક્ષા ઊભી રાખી હતી અને પોતે શૌચાલયમાં ગયો હતો. આરોપ છે કે ત્યાંથી તેણે રિક્ષામાં બેસેલી મહિલા સામે બિભત્સ અને અશ્લીલ ઈશારા કરવાનું શરૂ કર્યું હતું.
રિક્ષામાંથી ઉતરી ગયેલી મહિલાનો પીછો કરી અડપલાંનો પ્રયાસ
રિક્ષાચાલકની આ હરકતથી ગભરાયેલી અને અકળાયેલી મહિલા તરત જ રિક્ષામાંથી નીચે ઉતરી ગઈ હતી અને પગપાળા ચાલવા લાગી હતી. જોકે, વિકૃત માનસિકતા ધરાવતા આ રિક્ષાચાલકે મહિલાનો પીછો કર્યો હતો. રસ્તામાં તેણે મહિલા સાથે ગેરવર્તણૂક કરી હતી અને શારીરિક અડપલાં કરવાની કોશિશ કરી હોવાનો ગંભીર આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
મોબાઈલમાં ફોટા પાડી આપી ધમકી
આરોપી રિક્ષાચાલક આટલેથી જ અટક્યો ન હતો. તેણે પોતાના મોબાઈલ ફોનમાં મહિલાના ફોટા પણ પાડ્યા હતા. ત્યારબાદ તેણે મહિલાને એલફેલ ગાળો ભાંડીને ધમકાવતા હિન્દીમાં કહ્યું હતું કે, "તેરે સે જ્યાદા મેરી પહેચાન હૈ પોલીસ મેં." આટલું જ નહીં, જો મહિલા આ ઘટના અંગે પોલીસને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપી હતી.
કતારગામ પોલીસ મથકમાં ગુનો દાખલ, તપાસ શરૂ
રિક્ષાચાલકની આ હરકતથી હિંમત હાર્યા વિના મહિલાએ સીધા કતારગામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ભોગ બનનાર મહિલાએ આપેલી વિગતો અને ફરિયાદના આધારે પોલીસે આરોપી રિક્ષાચાલક વિરુદ્ધ છેડતી, ગેરવર્તણૂક અને ધમકી આપવા બદલ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપી રિક્ષાચાલકની ઓળખ કરી તેને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.