સુરતમાં ખજોદ ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગ ત્રણ દિવસે કાબુમાં આવી, મનપા કમિશનર એમ. નાગરાજનનું નિવેદન...
સુરત શહેરના છેવાડે આવેલા ખજોદ ડમ્પિંગ સાઈટ ખાતે છેલ્લા બે-ત્રણ દિવસથી લાગેલી ભીષણ આગને પગલે પાલિકા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઉનાળાની શરૂઆતમાં જ વધતા જતા તાપમાનની સાથે કચરાના ઢગલામાં રહેલા ઓર્ગેનિક વેસ્ટમાં મિથેન ગેસના ઉત્સર્જનને કારણે આકસ્મિક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના કાફલાએ દિવસ-રાત એક કરીને સતત ત્રણ દિવસ સુધી કામગીરી કરી હતી, જેના અંતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. મનપા કમિશનર એમ. નાગરાજને આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ખજોદ સાઈટ પર દરરોજ શહેરનો અંદાજે 25 થી 30 ટન કચરો પ્રોસેસ કરવામાં આવે છે, પરંતુ ગરમીના કારણે સર્જાતા રાસાયણિક ફેરફારોને લીધે આવી દુર્ઘટનાઓ સામે આવતી હોય છે.
આગની આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે કચરાના વ્યવસ્થાપનમાં બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરને અગાઉ લાગેલી આગના સંદર્ભમાં શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે અને આગામી સમયમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે મેનેજમેન્ટમાં ધરખમ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. હાલમાં આગ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, પરંતુ જમીનની અંદર રહેલી ગરમીને શાંત કરવા માટે ફાયર વિભાગ દ્વારા કુલિંગની સઘન કામગીરી ચલાવવામાં આવી રહી છે.
આ સમગ્ર કામગીરી દરમિયાન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને તેમના દ્વારા આપવામાં આવેલા પ્રદૂષણ નિયંત્રણના સૂચનો મુજબ જ પાલિકા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેથી આસપાસના વિસ્તારના રહીશોને ધુમાડા કે દુર્ગંધથી રાહત મળી શકે.