સુરત : ખજોદ ડમ્પિંગ સાઇટમાં ફરી ભીષણ આગ, ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે...
સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઇટ જાણે ફરી એકવાર અગનગોળામાં ફેરવાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શહેરમાં ચર્ચિત કચરા કૌભાંડના પડઘા હજુ શમ્યા નથી, ત્યાં જ ટૂંકા ગાળામાં બીજી વખત લાગેલી આ ભીષણ આગને પગલે અનેક તર્કવિતર્કો વહેતા થયા છે. ઉનાળાની શરૂઆત પૂર્વે જ ડમ્પિંગ સાઇટ પર કચરાના ડુંગરોમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કચરાના વિશાળ જથ્થાને કારણે આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેના ધુમાડાના કાળા ગોટેગોટા કિલોમીટરો દૂરથી પણ સ્પષ્ટપણે જોઈ શકાતા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આ ભયાનક આગની ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને ડઝનથી વધુ ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કચરામાં મીથેન ગેસ અને જ્વલનશીલ પદાર્થોની હાજરીને કારણે આગ પર કાબૂ મેળવવો અત્યંત પડકારજનક બની રહ્યો છે. ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, કચરા કૌભાંડની તપાસ ચાલી રહી હોય તેવા સંજોગોમાં વારંવાર લાગતી આ આગ માત્ર અકસ્માત છે કે પછી પુરાવાઓનો નાશ કરવાનો કોઈ પ્રયાસ, તે સવાલ હવે સ્થાનિકો અને તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો પ્રાથમિક તબક્કે આગને બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.