April 1, 2026
ક્રાઈમ

સુરત : સરકારી નોકરીના નામે છેતરપિંડી આચરનાર રીઢા ગુનેગારને LCBએ ફિલ્મી ઢબે દબોચ્યો : મહારાષ્ટ્રની સરહદેથી આરોપી ઝડપાયો

12:30:00 PM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરત : સરકારી નોકરીના નામે છેતરપિંડી આચરનાર રીઢા ગુનેગારને LCBએ ફિલ્મી ઢબે દબોચ્યો : </strong></span>મહારાષ્ટ્રની સરહદેથી આરોપી ઝડપાયો</p>

સુરત શહેરમાં સરકારી નોકરીના સપના બતાવી નિર્દોષ યુવાનોને આર્થિક ચૂનો લગાવતી ટોળકીઓ સક્રિય થઈ છે, ત્યારે સુરત શહેર ઝોન-6 LCBની ટીમે એક મોટી સફળતા મેળવી છે. સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 લાખની ઠગાઈના ગુનામાં છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપી અશ્વિન પ્રભાતસિંહ પાડવીને પોલીસે મહારાષ્ટ્રની સરહદ પરથી અત્યંત ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી પાડ્યો છે. આ આરોપીએ પોતાની ઓળખ એક અત્યંત વગદાર અને પ્રભાવશાળી વ્યક્તિ તરીકે આપી હતી અને સરકારી વિભાગોમાં ઉચ્ચ કક્ષાએ પોતાની સીધી ઓળખાણ હોવાના બહાના હેઠળ નોકરી અપાવવાની લાલચ આપી ભોગ બનનાર પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. જોકે, લાંબો સમય વીતવા છતાં નોકરી ન મળતા અને આપેલા નાણાં પરત ન મળતા આખરે છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો, જેના આધારે સચિન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ઝોન-6 LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લીધો હતો, જેમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના તલંબા નામના અંતરિયાળ ગામમાં છુપાયેલો છે. સુરતથી અંદાજે 200 કિલોમીટર દૂર આવેલા આ દુર્ગમ અને પહાડી વિસ્તારમાં આરોપીને પકડવો પોલીસ માટે એક પડકાર હતો. પોલીસની ટીમે હિંમત હાર્યા વગર સ્થાનિક વેશભૂષામાં રહીને સતત ત્રણ દિવસ સુધી આ વિસ્તારમાં રેકી કરી હતી અને આરોપીની તમામ હિલચાલ પર બાજ નજર રાખી હતી. પોલીસની આ સતર્કતાને કારણે આરોપીના ચોક્કસ લોકેશનની વિગતો પ્રાપ્ત થઈ હતી, જેના પગલે ધરપકડ માટેનું આખું પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું હતું.

જ્યારે આરોપી અશ્વિન પાડવી મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર આવેલા તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારના મટાવલ બસ સ્ટેન્ડ પાસે કોઈ કામ અર્થે પહોંચ્યો, ત્યારે પહેલેથી જ ગોઠવાયેલી LCBની ટીમે તરાપ મારી તેને દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અત્યંત ચતુર છે અને તે પોતાની પ્રભાવશાળી વાતોથી લોકોને ભોળવીને વિશ્વાસ સંપાદિત કરી લેતો હતો. તેણે ટુકડે-ટુકડે 4 લાખ રૂપિયા પડાવી લીધા બાદ ફરાર થઈ ગયો હતો અને કોર્ટે પણ તેની વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ 318(4) અને 54 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે. આ મામલે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ અન્ય કેટલા લોકોને આ પ્રકારે નોકરીની લાલચ આપીને છેતર્યા છે.