નજરે જોતા તરબૂચ પણ તપાસતા જ નીકળ્યો ‘નશો’ : સુરતમાં તરબૂચ ભરેલાં વાહનમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો...
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો જાણે પોલીસ સાથે ‘ઉંદર-બિલાડી’ની રમત રમી રહ્યા હોય તેમ દરરોજ નવા નુસખા અપનાવી રહ્યા છે, પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચે આ વખતે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. પુના કુંભારીયા વિસ્તારમાં પોલીસે એક બોલેરો પીકઅપને આંતરી તપાસ કરતા ઉપર તરબૂચ અને નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉપરથી જોતા સામાન્ય ફળ ભરેલું વાહન લાગતી બોલેરો પીકઅપમાં જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી, ત્યારે તરબૂચના સ્તરની નીચેથી પ્લાસ્ટિકના કેરેટ અને દારૂની પેટીઓ મળી આવતા ખુદ પોલીસ અધિકારીઓ પણ બુટલેગરોની આ હિંમત અને ચાલાકી જોઈને ચોંકી ઉઠ્યા હતા.
આ સમગ્ર ઓપરેશનની વિગતો મુજબ, સુરત ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે એક બોલેરો પીકઅપમાં ફળોની આડમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીને આધારે વોચ ગોઠવી રહેલી પોલીસે જ્યારે શંકાસ્પદ વાહનને આંતર્યું, ત્યારે પ્રથમ દ્રષ્ટિએ તેમાં માત્ર ઉનાળાની સિઝનના તરબૂચ જ નજરે પડતા હતા. જોકે, ક્રાઈમ બ્રાન્ચની બાજ નજરે આ છેતરામણી તરકીબને પકડી પાડી હતી. પોલીસે વાહનમાંથી તરબૂચ હટાવવાનું શરૂ કરતા જ નીચે છુપાવેલો વિદેશી દારૂનો ખજાનો ખુલ્લો પડી ગયો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે વિદેશી દારૂની નાની-મોટી અનેક બોટલો સહિત અંદાજે 8.48 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બુટલેગરોએ પોલીસની ચેકપોસ્ટ અને નાકાબંધીમાંથી બચવા માટે આ રીતે ફળોનો સહારો લીધો હતો જેથી કોઈને જલ્દી શંકા ન જાય, પરંતુ સુરત પોલીસની સજાગતાએ આ ‘ફિલ્મી’ પ્લાનનો ફિયાસ્કો કરી નાખ્યો છે. હાલ પોલીસે વાહન, દારૂનો જથ્થો અને અન્ય સાધનો કબજે કરીને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે રાજુ ઉર્ફે લુહાર ઉર્ફે રાજુલાલ (ઉં.વ. 38), રહે. ઝાલાવાડ, રાજસ્થાનની ધરપકડ કરી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે રાજુ અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે અને લાંબા સમયથી દારૂના હેરાફેરીના નેટવર્ક સાથે જોડાયેલો છે.
આ કેસમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કિસ્સો ફરી એકવાર સાબિત કરે છે કે બુટલેગરો ભલે ગમે તેટલા હાઈટેક કે ક્રિએટિવ રસ્તા અપનાવે, કાયદાના લાંબા હાથથી બચવું તેમના માટે મુશ્કેલ છે.