સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો; કુમાર કાનાણીએ કહ્યું : લોકોને સમજાવવામાં ભાજપના કાર્યકર્તાઓ કાચા પડ્યા...
સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પ્રચારમાં વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ આપેલા એક નિવેદને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. કાપોદ્રા, વોર્ડ નંબર 4ના મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધતા કાનાણીએ અત્યંત નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે ભાજપ સરકારના પ્રજાલક્ષી કાર્યોને લોકો સુધી પહોંચાડવામાં સંગઠનના કાર્યકર્તાઓ ક્યાંકને ક્યાંક કાચા પડ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિપક્ષ ગેરમાર્ગે દોરવામાં સફળ રહ્યો છે, જ્યારે આપણે સત્ય હકીકત સમજાવવામાં નિષ્ફળ રહ્યા છીએ.
કાનાણીએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું હતું કે, રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ આજે લાખો વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવી રહ્યા છે, પરંતુ આ હકીકત આપણે જનતાના માનસપટ પર અંકિત કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. તેવી જ રીતે આરોગ્ય સેવાઓમાં સરકાર કરોડોનો ખર્ચ કરે છે અને પ્રજા પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવતો નથી. બીજી તરફ, આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે 'આપ'ના નેતાઓએ ક્યારેય લોકોને એવું નથી કહ્યું કે ખાનગી હોસ્પિટલમાં દાખલ થજો અને ત્યાં તમને મફત સારવાર મળશે. વિપક્ષ માત્ર ભ્રામક પ્રચાર કરીને મતો અંકે કરવામાં સફળ રહ્યો છે અને હવે સમય આવી ગયો છે કે ભાજપના કાર્યકર્તાઓ લોકોને સાચી કામગીરીનો ચિતાર આપે.
ધારાસભ્યએ વધુમાં આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જે લોકોએ પાંચ વર્ષ સુધી રેશનીંગ અને બાંધકામ ક્ષેત્રે અનેક કૌભાંડો આચર્યા છે, તે જ લોકો હવે ચૂંટણી નજીક આવતા જ ભક્તિના માર્ગે વળી ગયા હોય તેવો ઢોંગ કરી રહ્યા છે. કૌભાંડો કરનારાઓ હવે જનતાને રીઝવવા માટે ઠેર-ઠેર 'સુંદરકાંડ'ના પાઠ કરાવી રહ્યા છે. જે લોકોએ અગાઉ રામનવમી જેવા પવિત્ર તહેવારોનો વિરોધ કર્યો હતો, તેઓ જ આજે મતોના રાજકારણ માટે સાધુ-સંતોના શરણે જઈ રહ્યા છે અને ધાર્મિક કથાઓમાં હાજરી આપી રહ્યા છે. આ બેધારી નીતિ અને પાખંડને લોકો સમક્ષ ખુલ્લો પાડવો એ જ હવે ભાજપના કાર્યકર્તાઓની મુખ્ય જવાબદારી છે. આમ, સુરતની આગામી ચૂંટણીમાં ભાજપ હવે આક્રમક રીતે પ્રજા વચ્ચે જઈને વિપક્ષના 'ગેરમાર્ગે દોરનારા' પ્રચારનો જડબાતોડ જવાબ આપવાની રણનીતિ ઘડી રહ્યું છે.