ડાયમંડ સિટીમાં રિયલ એસ્ટેટનો દબદબો: સુરત પાલિકાની પેઈડ FSI આવકમાં હેટ્રિક, તિજોરીમાં ઠલવાયા 1000 કરોડથી વધુ
ઓક્ટ્રોય નાબૂદી બાદ સરકારી ગ્રાન્ટ પર નિર્ભર સુરત મહાનગરપાલિકા માટે 'પેઈડ એફ.એસ.આઈ.'આવકનું મુખ્ય સંજીવની સ્ત્રોત બની રહી છે. બાંધકામ ક્ષેત્રે મંદીની ચર્ચાઓ વચ્ચે પણ સુરત પાલિકાએ નાણાકીય વર્ષ 2025-26માં સતત ત્રીજા વર્ષે પેઈડ એફ.એસ.આઈ. પેટે ₹1000કરોડથી વધુની આવક મેળવીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષ માટે સુરત પાલિકાએ ₹1040 કરોડની આવકનું લક્ષ્યાંક રાખ્યું હતું, જેની સામે 96.57ટકા સફળતા સાથે ₹1004.37 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષમાં પણ પાલિકાએ ₹1004 કરોડની આવક નોંધાવી હતી. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે સુરતમાં બાંધકામ પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે.
મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ દ્વારા કુલ 707 વિકાસ પરવાનગી ફાઈલોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં 256 ઓફલાઇન અને ૪૫૧ ઓનલાઇન ફાઈલોનો સમાવેશ થાય છે. આ પૈકી 286 પ્રોજેક્ટ્સને બીયુસી પણ આપી દેવામાં આવ્યા છે. વધુમાં, પ્લોટ વેલિડેશનની 2400 ફાઈલો મંજૂર કરવામાં આવી છે, જે છેલ્લા પાંચ વર્ષનો સૌથી ઊંચો આંકડો છે. ટાઉન પ્લાનિંગ વિભાગના હકારાત્મક અભિપ્રાયોને કારણે પાલિકાને 'કોન્ટ્રીબ્યુશન ઓફ લેન્ડ' તરીકે 8 લાખ ચોરસ મીટરથી વધુ જમીન પ્રાપ્ત થઈ છે.
ખાસ કરીને નોન-ટીપી વિસ્તારોમાં મળેલી આ જમીનનો ઉપયોગ આગામી સમયમાં પ્રાથમિક સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે. નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ. નાગરાજનના આગમન બાદ વહીવટી પ્રક્રિયામાં વેગ આવ્યો છે. છેલ્લા માત્ર બે મહિનામાં જ તેમણે 172 વિકાસ પરવાનગીની ફાઈલો મંજૂર કરી છે. આ ટૂંકા ગાળામાં 679 પ્લોટ વેલિડેશન અરજીઓનો નિકાલ થતા પાલિકાને 1.67 લાખ ચો.મી. વધારાની જગ્યા પ્રાપ્ત થઈ છે. એફ.એસ.આઈ.ની આ મબલખ આવકથી સુરતના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને નવી ગતિ મળશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાશે.