April 1, 2026
ગુજરાત

"દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ" : સુરત નવી સિવિલમાં શુદ્ધ પાણીના નામે નળમાંથી નીકળી રહ્યા છે કોકરોઝ?

02:36:00 PM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>"દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ" : </strong></span>સુરત નવી સિવિલમાં શુદ્ધ પાણીના નામે નળમાંથી નીકળી રહ્યા છે કોકરોઝ?</p>

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને 'લાલિયાવાડી'એ માઝા મૂકી છે, જેના કારણે હાલ આ સરકારી હોસ્પિટલ સેવાના બદલે દર્દીઓની હાલાકીનું કેન્દ્ર બની ગઈ છે. સુરત સિવિલમાં શુદ્ધ પાણીના નામે નળમાંથી નીકળી રહ્યા છે મરેલા કોકરોઝ જેવા ભયાનક દ્રશ્યો સામે આવતા સમગ્ર તંત્રની નિષ્ફળતા ખુલ્લી પડી ગઈ છે તેવાં આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી આ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ગરીબ અને લાચાર દર્દીઓ તેમજ તેમના પરિજનો પીવાના શુદ્ધ અને ઠંડા પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારી રહ્યા છે. આકરા ઉનાળાની શરૂઆતમાં જ જ્યારે પાણીની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે તંત્રની આવી સંવેદનહીનતા સામાન્ય જનતા માટે આશીર્વાદના બદલે અભિશાપ સાબિત થઈ રહી છે.

હોસ્પિટલના વહીવટી વિભાગ દ્વારા ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી આપવાના મોટા-મોટા દાવાઓ તો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ અને અત્યંત ઘૃણાસ્પદ છે. હોસ્પિટલના વોટર કુલરોની હાલત એટલી ખરાબ છે કે નળ ખોલતાની સાથે જ પાણીની સાથે મરેલા કોકરોઝ બહાર આવી રહ્યા છે, જે ગંભીર બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છે. એટલું જ નહીં, અનેક જગ્યાએ કુલરોમાં વાયરિંગ ખુલ્લું હોવાથી શોર્ટ સર્કિટનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે. આવી ભયાનક સ્થિતિમાં દર્દીઓ તો ઠીક, ખુદ ફરજ પરના ડોક્ટરો પણ હોસ્પિટલનું પાણી પીવાની હિંમત કરી શકતા નથી અને મજબૂરીવશ બહારથી મોંઘા ભાવનું પાણી મંગાવવું પડી રહ્યું છે.

આટલી ગંભીર બેદરકારી હોવા છતાં સિવિલ હોસ્પિટલનું તંત્ર જાણે કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાય છે. જ્યારે પણ આ બાબતે હોસ્પિટલના સત્તાધીશોને પૂછવામાં આવે છે ત્યારે તેઓ "રિપેરિંગ કામગીરી ચાલુ છે" તેવું જૂનું અને જાણીતું રટણ કરીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લે છે. 

સ્વચ્છતાના મોટા દાવાઓ કરતી સરકારની છબીને સુરત સિવિલની આ વરવી વાસ્તવિકતા ધૂળમાં મેળવી રહી છે. ગરીબ દર્દીઓ કે જેઓ પાસે ખાનગી હોસ્પિટલમાં જવાની સગવડ નથી, તેઓ અહીં આવીને પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે પણ તંત્રની નિષ્ફળતાનો ભોગ બની રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે ક્યારે જાગે છે અને દર્દીઓને ક્યારે શુદ્ધ પાણીની સુવિધા પ્રાપ્ત થાય છે.