માતા કામ પર ગઈ ને બાળકીનું અપહરણ થયું, સુરતના પાંડેસરામાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો...
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી શાસ્ત્રીનગર સોસાયટીમાંથી છ વર્ષની માસૂમ બાળકીના અપહરણની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી હતી, પરંતુ પાંડેસરા પોલીસની સતર્કતા અને વ્યાપક તપાસને કારણે આ મામલાનો ગણતરીના કલાકોમાં સુખદ અંત આવ્યો છે. ઘટનાની વિગત મુજબ, બાળકીની માતા જ્યારે કામ પર ગઈ હતી ત્યારે ઘરે એકલી રહેલી બાળકીનું સાંજે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની જાણ થઈ હતી. માતા જ્યારે પરત ફરી ત્યારે બાળકી ગાયબ હોવાથી પરિવારમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને તાત્કાલિક આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને જોતા પોલીસ તંત્ર તુરંત એક્શન મોડમાં આવ્યું હતું અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બાળકીની શોધખોળ માટે 50 સભ્યોની અલગ-અલગ ટીમો બનાવીને શહેરના ખૂણેખૂણામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસે વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું હતું, જેમાં એક શંકાસ્પદ શખ્સ બાળકીને લઈ જતો દેખાતા તપાસની દિશા સ્પષ્ટ થઈ હતી. આ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના ફૂટેજને આધારે આરોપીની ઓળખ પ્રદીપ તરીકે થઈ હતી. પોલીસે ચોકસાઈપૂર્વક આરોપીનો પીછો કર્યો અને અંતે પાંડેસરા વિસ્તારમાં આવેલા CEPT પ્લાન્ટની પાછળની ઝાડીઓમાંથી આરોપી પ્રદીપને બાળકી સાથે રંગેહાથ પકડી પાડ્યો હતો. રાહતની વાત એ છે કે પોલીસે સમયસૂચકતા વાપરીને બાળકીને સુરક્ષિત રીતે બચાવી લીધી છે.
સુરત પોલીસના ACP ઝેડ. આર. દેસાઈ
આ સફળ ઓપરેશન અંગે સુરત પોલીસના ACP ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, પોલીસની ત્વરિત કાર્યવાહી અને મજબૂત નેટવર્કને કારણે આરોપીની જંગલ જેવા વિસ્તારમાંથી ધરપકડ કરી શકાઈ છે અને બાળકીને હેમખેમ તેના પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ પાંડેસરા પોલીસે આરોપી વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.