યુદ્ધની અસર સુરત સુધી : પાંડેસરામાં 5 કિલોના ગેસના બાટલા માટે લોકોની પડાપડી, લોકો મુશ્કેલીમાં મુકાયા...
વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની ભયાનક સ્થિતિની સીધી અસર હવે સુરતના સામાન્ય માનવીના રસોડા પર પડતી જોવા મળી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારોમાં હાલ ગેસની ભયંકર અછત સર્જાતા હાહાકાર મચી ગયો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે રાંધણ ગેસના મોટા સિલિન્ડર મેળવવા તો દૂરની વાત રહી, હવે લોકો પાંચ કિલોના નાનકડા ગેસના બાટલા માટે પણ વહેલી સવારથી એજન્સીઓ પર લાંબી કતારો લગાવી રહ્યા છે. ગેસ એજન્સીઓ પર જોવા મળતી આ ભીડ જાણે કોઈ મેળો હોય તેવા દ્રશ્યો સર્જી રહી છે, પરંતુ આ ભીડ પાછળ લોકોની લાચારી અને ભૂખનો સંઘર્ષ છુપાયેલો છે. લોકો હાથમાં લાઈટબિલ, આધાર કાર્ડ અને જરૂરી દસ્તાવેજો લઈને કલાકો સુધી તડકામાં ઉભા રહી રહ્યા છે, માત્ર એટલી આશાએ કે આજે તેમના ઘરે ચૂલો સળગશે.
આ કટોકટીનો લાભ લઈને પાંચ કિલોના નાના બાટલાના ભાવમાં પણ તોતિંગ વધારો જોવા મળ્યો છે. જે બાટલો સામાન્ય રીતે મધ્યમ વર્ગને પરવડે તેવો હતો, તે અત્યારે ₹1500 જેવી ઊંચી કિંમતે વેચાઈ રહ્યો હોવા છતાં લોકો તેને ખરીદવા મજબૂર બન્યા છે. કતારમાં ઉભેલા નાગરિકોમાં વહીવટી તંત્ર અને આ વ્યવસ્થા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેક લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોંઘવારીના આ જમાનામાં હવે ગેસ ન મળવાને કારણે ઘરે જમવાનું બનાવવું પણ મુશ્કેલ બની ગયું છે. મજૂરી કામ કરતા શ્રમિકો પોતાનું કામધંધો છોડીને દિવસભર લાઈનમાં ઉભા રહે છે, છતાં પણ સાંજ સુધીમાં ગેસ મળશે કે નહીં તેની કોઈ ગેરંટી હોતી નથી. ભૂખ્યા પેટે ગેસની શોધમાં ભટકતા લોકોની ધીરજ હવે ખૂટી રહી છે.
બીજી તરફ ગેસ એજન્સીના સંચાલકો પણ આ અસાધારણ માંગને પહોંચી વળવામાં લાચાર દેખાઈ રહ્યા છે. એજન્સી સંચાલકોના જણાવ્યા અનુસાર, ઉપરથી પુરવઠો મર્યાદિત માત્રામાં આવી રહ્યો છે. રોજના સરેરાશ 300 જેટલા નાના બાટલાઓનો સ્ટોક આવે છે, પરંતુ તેની સામે લેનારાઓની સંખ્યા હજારોમાં હોય છે. જેવી ગાડી એજન્સી પર પહોંચે છે કે તરત જ ગણતરીની મિનિટોમાં સ્ટોક ખાલી થઈ જાય છે. હાલ તો સુરતનો શ્રમિક વર્ગ યુદ્ધની આડઅસરો વચ્ચે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો હોય તેમ જણાય છે.