April 9, 2026
ગુજરાત

સુરત પોલીસનો ‘સંવાદ સેતુ’: ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડી કરનારા તત્વો સામે લાલ આંખ, બે જ દિવસમાં 16 ગુના દાખલ

05:17:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરત પોલીસનો ‘સંવાદ સેતુ’:</strong></span> ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડી કરનારા તત્વો સામે લાલ આંખ, <strong>બે જ દિવસમાં 16 ગુના દાખલ</strong></p>

સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ ઉદ્યોગમાં વધતી જતી છેતરપિંડી અને આગજનીની ઘટનાઓને ડામવા માટે સુરત પોલીસ દ્વારા એક પ્રશંસનીય અને આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. આજે પોલીસ પ્રશાસન અને 200થી વધુ ટેક્સટાઇલ વેપારીઓ વચ્ચે 'સંવાદ સેતુ' કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વેપારીઓને છેતરપિંડીના મોડસ ઓપરેન્ડીથી માહિતગાર કરવાનો અને તેમની સુરક્ષા માટે સીધો સંવાદ સ્થાપિત કરવાનો હતો. આ બેઠક દરમિયાન વેપારીઓએ તેમની સાથે થયેલી ગેરરીતિઓ અંગે ખૂલીને રજૂઆતો કરી હતી, જેના પગલે પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી 45થી 50 જેટલી અરજીઓ પર ત્વરિત તપાસના આદેશ આપ્યા હતા.

પોલીસની આ સક્રિયતાના પરિણામે માત્ર બે જ દિવસના ટૂંકા ગાળામાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડીના કુલ 16 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ગુનાઓની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમાં 2 લાખ રૂપિયાથી લઈને 2 કરોડ રૂપિયા સુધીની માતબર રકમના કૌભાંડોનો સમાવેશ થાય છે. વેપારીઓ પાસેથી કાપડનો માલ ઉધાર મેળવી પેમેન્ટ ન ચૂકવનારા ઠગબાજો વિરુદ્ધ કડક કાયદાકીય ગાળિયો કસવામાં આવ્યો છે. પોલીસે માત્ર ગુના નોંધીને સંતોષ નથી માન્યો, પરંતુ આરોપીઓને દબોચી લેવા માટે અલગ-અલગ 6 ટીમો બનાવીને તેમને રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી-ગુડગાંવ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં રવાના કરી દીધી છે.

સુરત પોલીસ દ્વારા આ પ્રસંગે વેપારીઓને આશ્વસ્ત કરવામાં આવ્યા હતા કે વેપારના નામે છેતરપિંડી આચરનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ભવિષ્યમાં પણ જો કોઈ ગુનેગાર ટેક્સટાઇલ માર્કેટની શાંતિ ડહોળવાનો કે વેપારીઓના પૈસા પચાવી પાડવાનો પ્રયાસ કરશે, તો તેમની સામે પાસા (PASA) હેઠળ અટકાયતી પગલાં ભરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાની કડક ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આ 'સંવાદ સેતુ' અભિયાનથી વેપારીઓમાં સુરક્ષાનો ભાવ જાગ્યો છે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે, જે સુરતના વેપાર જગત માટે ખૂબ જ સકારાત્મક સંકેત ગણી શકાય.