દુબઈથી દોરીસંચાર અને સુરતમાં નોટોના ધપ્પા: સાયબર ક્રાઇમ સેલે આંતરરાષ્ટ્રીય ઠગ ગેંગની ઊંઘ ઉડાડી દીધી!
સુરત સાયબર ક્રાઈમ સેલે શહેરમાં વધતા સાયબર ગુનાઓને નાથવા માટે ‘ઓપરેશન મ્યુલ’ શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન DCP બિશાખા જૈન અને તેમની ટીમને બાતમી મળી હતી કે એક ગેંગ મહારાષ્ટ્રથી મેળવેલા બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરી સુરતમાં નાણાં ઉપાડવાનું નેટવર્ક ચલાવી રહી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી દરોડો પાડ્યો અને આંતરરાષ્ટ્રીય કક્ષાની આ ગેંગના મહત્વના સભ્ય ભાવેશ શિંદેને દબોચી લીધો હતો. ધરપકડ કરાયેલા આરોપી ભાવેશ શિંદે પાસેથી પોલીસે મોટા પ્રમાણમાં મુદ્દામાલ રિકવર કર્યો છે.
રેડ દરમિયાન 16 ડેબિટ કાર્ડ, 40 સિમકાર્ડ, 9 મોબાઈલ ફોન, 24 પાસબુક અને 9 ચેકબુક મળી આવ્યા છે. આ ઉપરાંત, ઠગાઈના ₹18.87 લાખની રોકડ, એક કરન્સી કાઉન્ટિંગ મશીન અને એક જ્યુપિટર સ્કૂટર પણ જપ્ત કરવામાં આવ્યું છે, જે સાબિત કરે છે કે આ વ્યવહાર ખૂબ મોટા પાયે ચાલતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ સામાન્ય અને ગરીબ લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતી હતી. આ એકાઉન્ટના સિમકાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેંકિંગ આઈડી દુબઈમાં બેઠેલા આકાઓ સુધી પહોંચાડવામાં આવતા હતા.
દેશભરમાંથી લોકો સાથે થતી સાયબર ઠગાઈના નાણાં આ ‘મ્યુલ એકાઉન્ટ્સ’માં જમા થતા અને ત્યારબાદ તેને ATM મારફતે ઉપાડી લેવામાં આવતા હતા. આ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં કુલ ૭૩ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું છે. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્રના 27, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઈન્ડિયાના 7-7 એકાઉન્ટ્સ તેમજ SBI, HDFC, Axis અને કોટક જેવી અગ્રણી બેંકોના ખાતાઓનો સમાવેશ થાય છે. આ તમામ એકાઉન્ટ્સનો ઉપયોગ માત્ર સાયબર ફ્રોડના નાણાં ફેરવવા માટે જ કરવામાં આવતો હતો. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ ગેંગના બેંક એકાઉન્ટ્સ વિરુદ્ધ દેશના વિવિધ રાજ્યોમાં કુલ 56 ફરિયાદો નોંધાયેલી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, યુપી અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આ ગેંગ સક્રિય હતી અને અત્યાર સુધીમાં આ નેટવર્ક દ્વારા અંદાજે ₹47.44 કરોડથી વધુની ઠગાઈ કરવામાં આવી હોવાનો અંદાજ છે. હાલ પોલીસે મુખ્ય આરોપી ભાવેશ શિંદેના દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આ કેસમાં હજુ હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરી નામના બે સાગરીતો ફરાર છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસ હવે આ કેસમાં સંકળાયેલા આંતરરાષ્ટ્રીય માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા માટે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને દુબઈ કનેક્શનની ઊંડી તપાસ કરી રહી છે, જેમાં આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.