ખાખીનો માનવીય ચહેરો : સુરત પોલીસે 84 કલાકના દિલધડક ઓપરેશન બાદ અપહરણ થયેલી બાળકીને અમદાવાદથી હેમખેમ છોડાવી...
સુરતના છાપરાભાઠા વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલા ગાર્ડનમાંથી રમત-રમતમાં ગુમ થયેલી માસૂમ બાળકીના અપહરણની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી હતી. 2 એપ્રિલ 2026ના રોજ બનેલી આ ઘટનાની જાણ પોલીસને 24 કલાક મોડી થઈ હોવા છતાં, સુરત પોલીસે મામલાની ગંભીરતા સમજી 3 એપ્રિલના રોજ ગુનો દાખલ કરી તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
એડિશનલ CP ક્રાઇમ ડૉ. કરણરાજ વાઘેલા
એડિશનલ CP ક્રાઇમ ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યુ હતું કે આ કામગીરીમાં 5 પોલીસ ઇન્સ્પેક્ટર, 9 સબ ઇન્સ્પેક્ટર અને 110 જેટલા પોલીસ જવાનોની અલગ-અલગ ટીમો બનાવી "ઓપરેશન મુસ્કાન" હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદ લેતા પ્રથમ દિવસે જ અપહરણકર્તાની ઓળખ કરી લેવામાં આવી હતી, જે બાદ ગુનેગારને પકડવા માટે પોલીસે દિવસ-રાત એક કરી દીધા હતા.
તપાસનો વ્યાપ માત્ર સુરત પૂરતો મર્યાદિત ન રાખતા, પોલીસની ટીમોએ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 43થી વધુ રેલ્વે સ્ટેશનો ખૂંદી વળ્યા હતા. આ ભગીરથ કાર્યમાં રેલવે સુરક્ષા દળ (RPF), ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP), રેલવે કર્મચારીઓ, કુલીઓ અને રિક્ષા એસોસિએશનનો પણ સાથ લેવામાં આવ્યો હતો. આધુનિક યુગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો મહત્તમ ઉપયોગ કરી 1000થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા બાળકીની વિગતો પ્રસારિત કરવામાં આવી હતી, જેથી કોઈ પણ જગ્યાએ તે નજરે ચડે તો તુરંત જાણ થઈ શકે. સતત 84 કલાક સુધી ચાલેલા આ નોનસ્ટોપ ઓપરેશનમાં પોલીસ જવાનોએ ઊંઘ સુદ્ધાં ત્યજી દીધી હતી અને માત્ર બાળકીને સુરક્ષિત પરત લાવવાનું લક્ષ્ય રાખ્યું હતું.
અંતે 6 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે 7 વાગ્યે સુરત ક્રાઇમ બ્રાંચ, અમરોલી પોલીસ અને અમદાવાદની નારોલ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સફળતા મળી હતી. પોલીસે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી 30 વર્ષીય આરોપી પપ્પુ સીનીયા ખડીયાની ધરપકડ કરી બાળકીને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. ચોંકાવનારી બાબત એ સામે આવી કે આરોપી પણ છાપરાભાઠા વિસ્તારનો જ રહેવાસી હતો અને તેણે માસૂમ બાળકીનો ઉપયોગ ભીખ માંગવા માટે કરવાનો પ્લાન ઘડ્યો હતો. તેની ગણતરી હતી કે નાની બાળકીને જોઈ લોકો સહાનુભૂતિથી જમવાનું અને રૂપિયા આપશે. ધરપકડ સમયે આરોપી પાસેથી અન્ય બે બાળકો પણ મળી આવ્યા છે, જેમના વાલીઓની શોધખોળ અત્યારે પોલીસ કરી રહી છે. એડિશનલ CP ક્રાઇમ ડૉ. કરણરાજ વાઘેલાએ આ ઓપરેશનની સફળતા બદલ પોલીસ ટીમની કામગીરીને બિરદાવી હતી.