સુરતના પુણાગામમાં માસૂમ બાળકો રૂમમાં પુરાયાં : ફાયર બ્રિગેડે દરવાજો તોડી બાળકોનું સુરક્ષિત કર્યું રેસ્ક્યુ...
સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આજે રમત-રમતમાં સર્જાયેલી એક નાનકડી ભૂલે પરિવારના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. પુણાગામની માતૃ શક્તિ સોસાયટીમાં રહેતા એક પરિવારના બે વર્ષના માસૂમ જુડવા બાળકો, દેવ અને દેવિકા, ઘરના રૂમમાં રમી રહ્યા હતા ત્યારે અચાનક પવનના ઝાપટા અથવા તો રમત દરમિયાન જ રૂમનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. હજુ તો બોલતા પણ બરાબર ન શીખેલા બે વર્ષના માસૂમ બાળકો અચાનક રૂમમાં પુરાઈ જતા અને પરિવારજનો બહાર રહી જતા ગભરાટનો માહોલ સર્જાયો હતો. માતા-પિતાએ બહારથી દરવાજો ખોલવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ લોક અંદરથી જામ થઈ ગયું હોવાથી સફળતા મળી નહોતી. રૂમની અંદરથી બાળકોના રડવાનો અવાજ આવતા જ આસપાસના રહીશો પણ દોડી આવ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.
ઘટનાની ગંભીરતાને જોતા પરિવારે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધી આશરે અડધા કલાકથી બાળકો અંદર કેદ હતા. રૂમમાં પૂરતી હવા અને પ્રકાશ હોવા છતાં, નાના બાળકો ગભરાઈ જવાથી સતત રડી રહ્યા હતા, જેને કારણે પરિવારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી સમય સૂચકતા વાપરી હતી અને આધુનિક સાધનોની મદદથી રૂમનો મજબૂત દરવાજો તોડવાની કામગીરી શરૂ કરી હતી. હાઈવોલ્ટેજ ડ્રામા જેવી સર્જાયેલી આ સ્થિતિમાં આખરે ફાયર જવાનોએ દરવાજો તોડી નાખવામાં સફળતા મેળવી હતી.
જેવો દરવાજો ખુલ્યો કે તરત જ ફાયર જવાનોએ બંને માસૂમ દેવ અને દેવિકાને સુરક્ષિત રીતે બહાર કાઢીને તેમની માતાના ખોળામાં સોંપ્યા હતા. અડધા કલાકના ભારે તણાવ બાદ બાળકોને સહીસલામત જોઈને પરિવારે હાશકારો અનુભવ્યો હતો અને ફાયર બ્રિગેડના જવાનોનો આભાર માન્યો હતો. આ ઘટનાએ સોસાયટીમાં ભારે ચર્ચા જગાવી છે અને નાના બાળકોના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થયો છે કે રમતા બાળકો પર સતત નજર રાખવી કેટલી જરૂરી છે. સદનસીબે, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે બંને બાળકો હેમખેમ બહાર આવ્યા હતા.