સુરત રેલ્વે સ્ટેશન પર 'MISSION SAFE STATION' હેઠળ મોટી કાર્યવાહી : ઓડિશાનો શખ્સ 2 લાખના ગાંજા સાથે ઝડપાયો...
ગુજરાતમાં નશાકારક પદાર્થોના દૂષણને ડામવા અને રેલ્વે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા માટે રેલ્વે પોલીસ દ્વારા 'મિશન સેફ સ્ટેશન' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત રેલ્વે પોલીસ અને SOG ની ટીમને એક મહત્વની સફળતા સાંપડી છે. સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી એસ.ઓ.જી. અને સુરત રેલ્વે પોલીસની સંયુક્ત ટીમે વોચ ગોઠવીને ઓડિશાના એક શખ્સને 4.049 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ ઓપરેશનને કારણે ડ્રગ્સ પેડલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
6 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે સુરત રેલ્વે સ્ટેશન પર જ્યારે પોલીસની ટીમ સતર્કતા સાથે પેટ્રોલિંગમાં હતી, ત્યારે પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી સ્પીડ પાર્સલ ઓફિસ પાસે એક યુવકની હિલચાલ અત્યંત શંકાસ્પદ જણાઈ હતી. સવારે અંદાજે 7:20 વાગ્યાના સુમારે એ.એસ.આઈ. દિનેશજી પરથીજી અને તેમની ટીમે આ યુવકને અટકાવીને પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેની પાસે રહેલી બેકપેકમાંથી કેફી પદાર્થની તીવ્ર વાસ આવતા પોલીસે તેની ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં પ્લાસ્ટિકના પેકેટમાં છુપાવેલો ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આ શખ્સની અટકાયત કરી હતી.
પકડાયેલા આરોપીની ઓળખ સૌરી ઉર્ફે જીતુ સાહુ (ઉંમર વર્ષ 33) તરીકે થઈ છે, જે મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાનો વતની છે અને ખેતીકામ સાથે સંકળાયેલો છે. પોલીસ તપાસમાં તેની પાસેથી કુલ 4.049 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો છે, જેની બજાર કિંમત અંદાજે ₹2,02,450 જેટલી થાય છે. આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી ₹500ની રોકડ રકમ, એક મોબાઈલ ફોન, આધાર કાર્ડ, આર.સી. બુક અને રેલ્વેની જનરલ ટિકિટ સહિત કુલ ₹2,07,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે સુરત રેલ્વે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ ઓપરેશન CID (ક્રાઈમ અને રેલ્વેઝ)ના પોલીસ મહાનિર્દેશક ડો. કે.એલ.એન. રાવ અને પોલીસ અધિક્ષક અભય સોનીના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. આ કામગીરીમાં સુરત રેલ્વે પી.આઈ. જે.બી. મીઠાપરા, પી.એસ.આઈ. એચ.પી. રવિયા તેમજ એસ.ઓ.જી., એન.ડી.પી.એસ. ડેડીકેટેડ ટીમ અને આર.પી.એફ.ના જવાનોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ નશીલા પદાર્થનો જથ્થો ઓડિશાથી લાવ્યો હતો કે કેમ અને સુરતમાં તે કોને સપ્લાય કરવાનો હતો. 'મિશન સેફ સ્ટેશન' અંતર્ગત આગામી દિવસોમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવાની મક્કમતા પોલીસ દ્વારા દર્શાવવામાં આવી છે.