સુરતમાં ઘરના આંગણે જ લઘુમતી પરિવારનો હુડીયો બોલાવાયો, અશાંત ધારાના કાયદેસર દસ્તાવેજ છતાં સોસાયટીનો અડિંગો!

શું સોસાયટીનું NOC સરકારના અશાંત ધારાના કાયદા અને કાયદેસરના વેચાણ દસ્તાવેજ કરતા પણ ઉપર છે? આ સવાલ સુરતના એક કિસ્સામાં ગુજરાત હાઇકોર્ટ સામે આવ્યો છે. રાંદેરની એક સોસાયટીમાં લઘુમતી સમુદાયના પરિવારે કાયદેસર ઘર ખરીદ્યું હોવા છતાં, ધર્મના આધારે તેમને પ્રવેશતા અટકાવતા મામલો ગરમાયો છે. નીચલા સ્તરના પોલીસ અધિકારીઓએ સુરક્ષા આપવાને બદલે અરજી ફાઈલ કરી દેતા અંતે હાઇકોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કાયદેસર મંજૂરી મેળવનાર પરિવારને તેમના મૌલિક અધિકારથી વંચિત રાખી શકાય નહીં.
સુરતના રાંદેર વિસ્તારમાં કાયદેસર રીતે બંગલો ખરીદ્યા બાદ પણ એક મુસ્લિમ પરિવારને તેમના નવા ઘરમાં રહેતા અટકાવવાના મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હસ્તક્ષેપ કર્યો છે. હાઇકોર્ટે સુરત શહેર પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે તેઓ આગામી ચાર અઠવાડિયામાં આ પરિવારની સુરક્ષાની વિનંતી પર ગંભીરતાથી વિચાર કરે, જેથી તેઓ કોઈ પણ ડર વગર પોતાના ઘરમાં રહી શકે. સુરતના રાંદેર વિસ્તારની એક કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં એક ખાનગી શાળાની મુસ્લિમ શિક્ષિકાએ સપ્ટેમ્બર 2025માં બંગલા નંબર 08ની ખરીદી કરી હતી.
આ વિસ્તારમાં 'ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ' (અશાંત ધારો) લાગુ હોવાથી, પરિવારે એપ્રિલ 2025માં સરકારની પૂર્વ મંજૂરી મેળવી તમામ કાયદેસરની વિધિ પૂર્ણ કર્યા બાદ જ વેચાણ દસ્તાવેજ કર્યો હતો. પરિવાર ઘરમાં રહેવા માટે પહોંચ્યો, ત્યારે સોસાયટીના અન્ય રહીશોએ ટોળે વળીને તેમને પ્રવેશતા અટકાવ્યા હતા. સોસાયટીના સભ્યો દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' મેળવ્યા વિના લઘુમતી સમુદાયનો પરિવાર અહીં રહી શકે નહીં. આ સોસાયટીમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી એમ ત્રણેય સમુદાયના પરિવારો રહેતા હોવા છતાં આ પરિવારનો વિરોધ કરવામાં આવ્યો હતો.
પરિવારે આ બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં સુરક્ષાની માંગ કરી હતી, પરંતુ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર દ્વારા સોસાયટીના પ્રમુખનું નિવેદન નોંધીને એવી ભલામણ સાથે અરજી ફાઇલ કરી દેવામાં આવી હતી કે રહેવાસીઓ વચ્ચે કોઈ મોટો ઝઘડો થયો નથી, તેથી પોલીસ સુરક્ષાની જરૂર નથી. પોલીસ તરફથી મદદ ન મળતા પરિવારે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારે તેમને રહેતા અટકાવી શકાય નહીં. કોર્ટે સુરત પોલીસ કમિશનરને નીચલા સ્તરના પોલીસ અધિકારીના રિપોર્ટથી પ્રભાવિત થયા વગર સ્વતંત્ર રીતે નિર્ણય લઈ પરિવારને સુરક્ષા પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે.