સુરતના સચિનમાં ગેસના બાટલાનું ગેરકાયદેસર વેચાણ : શ્રમિકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતા બે શખ્સો ઝડપાયા, પોલીસે ટેમ્પો જપ્ત કર્યો...
સુરત શહેરના સચિન વિસ્તારમાંથી ગેસના બાટલાના કાળાબજારનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. સચિન વિસ્તારમાં આવેલા એક ખુલ્લા મેદાનમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને રાહત દરે, એટલે કે માત્ર 596 રૂપિયામાં પાંચ કિલોનો ગેસનો બાટલો આધારકાર્ડના આધારે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આ વ્યવસ્થાનો લાભ લેવાને બદલે શ્રમિકોને લૂંટવાનો ખેલ ખેલાઈ રહ્યો હતો. કાળઝાળ ગરમી અને ભરતડકામાં મજૂરો ગેસના બાટલા મેળવવા માટે લાંબી લાઈનોમાં કલાકો સુધી ઊભા રહેવા મજબૂર બન્યા હતા, અને આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ગેસ બાટલાની નિર્ધારિત કિંમત કરતા વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ, 'એચપી ગેસ' લખેલા એક ટેમ્પોમાં મોટા જથ્થામાં બાટલા ભરીને લાવવામાં આવ્યા હતા અને ત્યાં હાજર લોકો દ્વારા શ્રમિકો પાસેથી 800 થી 900 રૂપિયા જેવી તોતિંગ રકમ વસૂલવામાં આવતી હતી. સરકારી સબસિડીવાળા બાટલાનું આ રીતે કાળાબજાર થતું હોવાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. દરમિયાન આ મામલે પોલીસને જાણ થતા સચિન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસને જોતા જ ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને એક વ્યક્તિ તકનો લાભ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે સ્થળ પરથી કાર્યવાહી કરતા ગેસના બાટલા ભરેલો ટેમ્પો જપ્ત કરી લીધો છે અને બે લોકોની અટકાયત કરી વધુ પૂછપરછ માટે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. ગરીબ શ્રમિકોની મજબૂરીનો લાભ લઈને ચાલતા આ ગેરકાયદેસર વેચાણના પર્દાફાશ બાદ હવે પોલીસ આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને આટલા મોટા પ્રમાણમાં ગેસ ક્યાંથી લાવવામાં આવતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી રહી છે.