સુરત પોલીસ એક્શનમાં : સગરામપુરામાં દુકાન પાસે દારૂ પીવાની ના પાડતા વેપારી પર ચપ્પુથી કર્યો હતો હુમલો, આરોપીની પોલીસે કરી ધરપકડ...
સુરત શહેરના સગરામપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના ગતરોજ પ્રકાશમાં આવી છે, જેમાં સગરામપુરા પોલીસ ચોકીની બિલકુલ બહાર જ એક નિર્દોષ વેપારી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. નવસારી બજારમાં હાર્ડવેરની દુકાન ચલાવતા બસંત બાઈદાન રબારી જ્યારે સવારના સમયે પોતાની દુકાન ખોલવા માટે પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે અસામાજિક તત્વો ત્યાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને દુકાનના દરવાજા પાસે જ દારૂની ખાલી બોટલો પડી હતી. વેપારીએ જ્યારે આ અસામાજિક તત્વોને જાહેર રસ્તા પર અને દુકાન પાસે દારૂ ન પીવા માટે ટકોર કરી, ત્યારે ઉશ્કેરાયેલા તત્વોએ હિંસક વલણ અપનાવ્યું હતું. આ મામૂલી વાતમાં મામલો એટલો બિચક્યો કે આરોપીએ વેપારી પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો, જેમાં વેપારીને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં વેપારીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, નવસારી બજાર અને સગરામપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો રોજિંદો આતંક વધી રહ્યો છે, જે સામાન્ય નાગરિકો માટે માથાનો દુખાવો બન્યો છે. હુમલાખોર આરોપી રાહુલ તેજા સોલંકીએ વેપારીને લોહીલુહાણ કર્યા બાદ પણ ધરપત ન ખાતા જતાં-જતાં એવી ધમકી પણ આપી હતી કે જો પોલીસમાં અરજી કરી તો જાનથી મારી નાખીશ.
જોકે, આજે અઠવા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ફરાર થઈ ગયેલા આરોપી રાહુલ સોલંકીની ધરપકડ કરી લીધી છે. ભોગ બનનાર વેપારીએ પોલીસ પાસે માંગ કરી છે કે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ વેપારીએ આવા ભયના ઓથાર હેઠળ જીવવું ન પડે. હાલ અઠવા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ ઘટનામાં અન્ય કોઈ શખ્સો સામેલ હતા કે કેમ.