વિશ્વાસ જીત્યા બાદ દગાનો ખેલ : પહેલા પેમેન્ટ આપી ભરોસો કેળવ્યો, પછી લાખોનો માલ પડાવી દલાલ 'નો-દો-ગ્યારા', સારોલીમાં કાપડ વેપારી સાથે છેતરપિંડી કરનાર ઝડ્પાયો
સુરતનું કાપડ માર્કેટ માત્ર દેશમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ આ ચમકધમક પાછળ ક્યારેક છેતરપિંડીના એવા કિસ્સાઓ પણ સામે આવે છે જે વેપારીઓને માથે હાથ મૂકવા મજબૂર કરી દે છે. આવો જ એક કિસ્સો સારોલી વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં લાખો રૂપિયાનો માલ પડાવી લઈ પેમેન્ટ ન કરનાર રીઢા દલાલને પોલીસે દબોચી લીધો છે. વેપારમાં પહેલા સંબંધો કેળવવા, સમયસર નાણાં આપી વિશ્વાસ જીતવો અને પછી મોટો હાથ મારી રફુચક્કર થઈ જવાની આ મોડસ ઓપરેન્ડીએ ફરી એકવાર વેપારી આલમમાં ચિંતા જન્માવી છે.
આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો, સારોલી પોલીસ મથકની હદમાં આવતા કાપડ માર્કેટના એક વેપારીને શિખામણ આપતી આ ઘટનામાં દલાલ અર્પિત ધોત્રાએ ખૂબ જ ચાલાકીપૂર્વક આખી જાળ બિછાવી હતી. શરૂઆતના તબક્કે અર્પિતે વેપારી પાસેથી કાપડનો જથ્થો ખરીદ્યો હતો અને તેના પેમેન્ટ ખૂબ જ વ્યવસ્થિત અને સમયસર ચૂકવ્યા હતા. કોઈપણ વેપારી માટે સમયસર આવતું પેમેન્ટ એ દલાલ કે ખરીદનાર પરનો ભરોસો વધારવા માટે પૂરતું હોય છે. બસ, આ જ ભરોસાનો ગેરફાયદો ઉઠાવીને આરોપી અર્પિતે વેપારી પાસેથી ટુકડે-ટુકડે કુલ ₹75.93 લાખની કિંમતનો કાપડનો માલ મંગાવી લીધો હતો. આટલી મોટી રકમનો માલ આપતી વખતે વેપારીને અંદાજો પણ નહોતો કે તેની સાથે છેતરપિંડી થવાની તૈયારીમાં છે.
જ્યારે માલની ડિલિવરી થઈ ગઈ અને પેમેન્ટનો સમય આવ્યો ત્યારે આરોપીના અસલી તેવર સામે આવ્યા હતા. કુલ ₹75.93 લાખમાંથી અમુક રકમ ચૂકવ્યા બાદ બાકી નીકળતા ₹21.05ની ઉઘરાણી માટે જ્યારે વેપારીએ દલાલ અર્પિત ધોત્રાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે સતત વાયદાઓ કરવા લાગ્યો હતો. અંતે, કોઈ રસ્તો ન જણાતા આરોપીએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો અને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોતાની મહેનતની કમાણી ફસાઈ જતાં વેપારીએ તુરંત સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે મામલાની ગંભીરતા જોઈ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી અર્પિત ધોત્રાને ઝડપી પાડ્યો છે. જોકે, આ ગુનામાં હજુ પણ મુખ્ય સૂત્રધાર મનીષકુમાર ફરાર છે, જેને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વેપારીઓએ હવે અજાણ્યા દલાલો સાથે આર્થિક વ્યવહાર કરતી વખતે વધુ સતર્ક રહેવાની જરૂર છે.