સ્વચ્છતા સર્વેક્ષણના મેડલ એકબાજુ, ગંદકીના ઢગલા બીજી બાજુ....સુરતના અશ્વિનીકુમાર રોડ પર ‘સ્વચ્છતા’ના લીરેલીરા ઉડ્યા
સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં ડંકો વગાડનાર અને પ્રથમ ક્રમે આવનાર સુરત શહેરની એક એવી બીજી બાજુ પણ છે જે તંત્રના તમામ દાવાઓને પોકળ સાબિત કરી રહી છે. શહેરના ઐતિહાસિક અને પવિત્ર ગણાતા અશ્વિનીકુમાર રોડ પર આવેલી સ્મશાન ભૂમિ પાસે ગંદકીના ગંજ ખડકાયા છે. આ સ્થિતિને જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સવાલ ઉઠી રહ્યો છે કે શું એવોર્ડ જીત્યા પછી પાલિકા સફાઈના નામે માત્ર દેખાડો જ કરી રહી છે?
સુરતના અશ્વિનીકુમાર રોડ પર આવેલું સ્મશાન માત્ર એક અંતિમ સંસ્કાર સ્થળ નથી, પરંતુ તેનું જોડાણ મહાભારત કાળ સાથે છે. માન્યતા મુજબ, અહીં કુંતીપુત્ર કર્ણના અંતિમ સંસ્કાર થયા હતા. આ પવિત્ર ભૂમિ પર કોટ વિસ્તાર, વરાછા અને કતારગામ જેવા ગીચ વિસ્તારોના હજારો મૃતદેહો અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવે છે, જેની સાથે હજારો લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે. હિન્દુ ધર્મની પરંપરા મુજબ, સ્મશાનમાં પ્રવેશતા પહેલા મૃતદેહને જે સ્થાને થોડીવાર રાખવામાં આવે છે તેને 'વિસામો' કહેવામાં આવે છે. કમનસીબી એ છે કે અશ્વિનીકુમાર રોડ પર આવેલા આ પવિત્ર વિસામાની બિલકુલ બાજુમાં જ પાલિકાએ મોટી કચરાપેટી મૂકી છે.
આ કચરાપેટી હવે આસપાસના રહીશો અને વ્યવસાયિક એકમો માટે કચરો ઠાલવવાનું મુખ્ય કેન્દ્ર બની ગઈ છે, જેના કારણે વિસામાનો મલાજો જળવાતો નથી. અંતિમ વિદાય વખતે સ્વજનો ભાવુક હોય છે, ત્યારે વિસામા જેવા પવિત્ર સ્થળે ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડતા લોકોની લાગણી દુભાઈ રહી છે. આ માત્ર ગંદકીનો પ્રશ્ન નથી, પરંતુ મૃતકોના સન્માન અને લોકોની આસ્થા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. પાલિકા દ્વારા અન્ય જાહેર સ્થળોએ તો સફાઈ થાય છે, પરંતુ જ્યાં લોકોની સંવેદના જોડાયેલી છે તેવા સ્થળોની અવગણના કેમ કરવામાં આવે છે?
હાલમાં સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે આ મુદ્દે ભારે આક્રોશ ફેલાયો છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર અને આરોગ્ય વિભાગ આ બાબતે તાત્કાલિક દખલગીરી કરે તેવી લોક માંગ ઉઠી છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.