વૈશ્વિક યુદ્ધના પડછાયા હેઠળ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મુશ્કેલીમાં : વીજળીના ફિક્સ ચાર્જમાં 50% રાહત આપવા DGVCLને કરાઈ રજૂઆત...
વિશ્વના ઈરાન- ઇઝરાયેલ અને અમેરિકા જેવાં દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક અસ્થિરતાની સીધી અસર હવે સુરતના હબ ગણાતા ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગકારો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. હાલમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ સ્થિતિને પગલે ઉદ્યોગમાં અનેક પ્રકારના અવરોધો ઊભા થયા છે, જેમાં સૌથી મહત્વનું પરિબળ કારીગરોની અછત બની રહ્યું છે. ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર, વર્તમાન પરિસ્થિતિમાં કારીગરોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ અને ખાસ કરીને ગેસના બાટલા મેળવવામાં ભારે તકલીફ પડી રહી છે, જેને પરિણામે અંદાજે 50% જેટલા કારીગરોની અછત સર્જાઈ છે. આ વિકટ પરિસ્થિતિ લાંબો સમય ચાલે તેવી ભીતિ ઉદ્યોગ જગતમાં સેવાઈ રહી છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા પર માઠી અસર પડી છે અને અનેક એકમો પોતાની પૂર્ણ ક્ષમતાથી કામ કરી શકતા નથી.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને સચિન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટીના કારોબારી સભ્ય મહેન્દ્રભાઈ રામોલિયા દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ના મેનેજિંગ ડિરેક્ટરને એક પત્ર લખીને ઉદ્યોગના હિતમાં મહત્વપૂર્ણ માંગણી કરવામાં આવી છે. પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ટેક્સટાઇલ યુનિટો અત્યારે અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. યાર્ન અને ગ્રે માર્કેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને બજારમાં નવા ઓર્ડરની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. એક તરફ ઉત્પાદન ખર્ચમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ વીજળીનો ખર્ચ ઉદ્યોગકારો માટે મોટું ભારણ બની ગયો છે. આથી, સુરત શહેર અને જિલ્લામાં ચાલતા ટેક્સટાઇલ યુનિટોને આર્થિક ટેકો આપવા માટે L.T. (લો ટેન્શન) અને H.T. (હાઈ ટેન્શન) વીજ કનેક્શનના ફિક્સ ચાર્જમાં 50%ની રાહત આપવી અત્યંત અનિવાર્ય બની છે.
વધુમાં રજૂઆત કરતા જણાવાયું છે કે, જો સરકાર અને વીજ કંપની દ્વારા આ ફિક્સ ચાર્જમાં રાહત આપવામાં આવે, તો મંદી અને યુદ્ધની અસરો વચ્ચે જે એકમો હાલ બંધ હાલતમાં છે અથવા અડધી ક્ષમતા પર ચાલી રહ્યા છે, તેમને ફરીથી ગતિ મળી શકે તેમ છે. ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે લાખો લોકોની રોજીરોટી જોડાયેલી હોવાથી, આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે તાત્કાલિક ધોરણે સહાય આપવી જરૂરી છે. ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે કે તંત્ર દ્વારા તેમની આ નમ્ર અરજ સ્વીકારવામાં આવશે અને વીજદરમાં રાહત આપીને સુરતની આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ ઉદ્યોગને નવજીવન આપવામાં આવશે.