સુરતના મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં ફરી ભીષણ આગ ફાટી નીકળી, ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે
સુરતના રિંગરોડ પર આવેલી મિલેનિયમ-1 માર્કેટમાં આજે રાત્રે આગનો તાંડવ જોવા મળ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોરની એક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગની 5 ટીમોએ સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. અગાઉ 23 દિવસ પહેલા પણ આ જ માર્કેટમાં આગ લાગી હોવાથી વેપારીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં આજે રાત્રે અચાનક આગ ફાટી નીકળતા વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
23 દિવસના ટૂંકા ગાળામાં આ જ માર્કેટમાં આગની આ બીજી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે. આજે રાત્રિના સમયે મિલેનિયમ-1 માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક કાપડની દુકાનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગતા માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક વેપારીઓ અને લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને અન્ય દુકાનોમાં રહેલો કિંમતી કાપડનો જથ્થો સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
આગ અંગેની જાણકારી મળતા જ સુરત ફાયર વિભાગની 5 ગાડીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સ્થાનિકો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે બુઝાયા બાદ જ ચોક્કસ કારણની તપાસ કરવામાં આવશે.
નોંધનીય છે કે બરાબર 23 દિવસ પહેલા પણ આ જ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. વારંવાર બનતા આગના બનાવોને પગલે રિંગરોડના કાપડ બજારના વેપારીઓમાં ફાળ પડી છે અને ફાયર સેફ્ટીના સાધનોની સજ્જતા અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે.