April 4, 2026
ગુજરાત

સુરતમાં ‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવત થઈ સાર્થક : અડધી મિનિટ સુધી ટ્રેન યુવકની ઉપરથી પસાર થઈ, છતાં પોલીસની સતર્કતાએ યુવકને આપ્યું નવજીવન...

10:53:00 AM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરતમાં ‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવત થઈ સાર્થક : </strong></span>અડધી મિનિટ સુધી ટ્રેન યુવકની ઉપરથી પસાર થઈ, છતાં પોલીસની સતર્કતાએ યુવકને આપ્યું નવજીવન...</p>

ગુજરાત રેલવેના DGP ડો. કે.એન. રાવના સીધા માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલી રહેલા ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુરક્ષા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. રેલવે આઈજી કે.એન. ડામોર દ્વારા વેકેશનના ધસારાને પહોંચી વળવા અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે રાજ્યના તમામ મુખ્ય રેલવે સ્ટેશનો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો નિર્દેશ અપાયો હતો. આ સૂચનાના પાલનરૂપે વડોદરા રેલવે એસપી અભય સોનીએ તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ સ્ટેશનો પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી હતી. પોલીસની આ સતર્કતા અને ખડેપગે રહેવાની ફરજનિષ્ઠાનું પરિણામ તાજેતરમાં સુરત રેલવે સ્ટેશન પર જોવા મળ્યું, જ્યાં એક મુસાફરનો જીવ બચાવીને પોલીસ જવાનોએ ખરા અર્થમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ઘટનાની વિગત મુજબ, સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી ટ્રેન નંબર 09628 અજમેર સ્પેશિયલ ફેર એક્સપ્રેસ પોતાની ગતિ પકડી રહી હતી. આ સમયે એક મુસાફરે જોખમી રીતે દોડીને ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અચાનક સંતુલન બગડતા તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના જોખમી ગેપમાં પટકાયો હતો. હૃદયદ્રાવક દ્રશ્યો તો ત્યારે સર્જાયા જ્યારે ટ્રેન અડધી મિનિટ સુધી સતત ચાલતી રહી અને યુવક ટ્રેનની નીચે ફસાયેલો રહ્યો. આ ભયાનક દ્રશ્ય જોઈને પ્લેટફોર્મ પર હાજર અન્ય મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે જોઈને કોઈપણ વ્યક્તિના રુવાડા ઉભા થઈ જાય તેમ છે.

જોકે, પ્લેટફોર્મ પર તૈનાત સુરત રેલવે પોલીસની સર્વેલન્સ ટીમની નજર આ અકસ્માત પર પડતા જ તેઓએ વીજળીક સ્ફૂર્તિ બતાવી હતી. પોલીસ જવાનોએ સમય સૂચકતા વાપરી તુરંત જ સિગ્નલ આપી ટ્રેન ઉભી રખાવી દીધી હતી, જેના કારણે એક મોટી હોનારત ટળી હતી. ટ્રેન થોભ્યા બાદ પોલીસ જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક યુવકને ટ્રેન નીચેથી હેમખેમ બહાર કાઢ્યો હતો. ટ્રેન નીચેથી જીવતા બહાર આવેલા યુવકને જોઈને ત્યાં હાજર મેદની સ્તબ્ધ થઈ ગઈ હતી અને સૌએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી. આ ચમત્કારિક બચાવ બાદ સુરત રેલવે પોલીસનો માનવીય ચહેરો પણ જોવા મળ્યો હતો.

અકસ્માતમાંથી બચી ગયેલો યુવક અતિશય ગભરાઈ ગયો હોવાથી ધ્રૂજી રહ્યો હતો, ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. મીઠાપરા અને તેમની ટીમે પિતાતુલ્ય હેત દાખવી યુવકને સાંત્વના આપી હતી અને તેને શાંત પાડ્યો હતો. પ્રાથમિક તપાસ અને તબીબી ચકાસણી બાદ જ્યારે ખાતરી થઈ કે મુસાફર સંપૂર્ણ સુરક્ષિત છે, ત્યારે તેને ફરીથી તે જ ટ્રેનમાં સુરક્ષિત રીતે બેસાડી આગળ રવાના કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસની સતર્કતા અને ત્વરિત નિર્ણયશક્તિને કારણે આજે એક નિર્દોષ મુસાફરને નવજીવન મળ્યું છે અને એક પરિવારનો માળો વિખેરાતા બચી ગયો છે, જે રેલવે પોલીસના "સેવા, સુરક્ષા અને શાંતિ"ના મંત્રને સાર્થક કરે છે.