એક લખાણ અને આખા શહેરમાં ચર્ચા! સુરતના વોર્ડ-22માં દાવેદારી કરનારા આ કાર્યકર્તાનું ફોર્મ ચર્ચાના કેન્દ્રમાં, ફોર્મમાં લખ્યું કે...
સુરત મહાનગરપાલિકાના રાજકારણમાં અત્યારે એક એવા કાર્યકર્તાની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે, જેમણે પોતાની વર્ષોની મહેનત અને નિષ્ઠાને ખૂબ જ સાદગીથી રજૂ કરી છે. સામાન્ય રીતે ચૂંટણીમાં દાવેદારી નોંધાવતા કાર્યકર્તાઓ પોતાની મોટી સિદ્ધિઓ, પદ અને પ્રભાવનું વર્ણન કરતા હોય છે, પરંતુ સુરતના વોર્ડ નંબર 22માં વસંત ખેતાન નામના એક કાર્યકર્તાએ દાવેદારી ફોર્મમાં જે લખ્યું છે તે જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે અતૂટ રીતે જોડાયેલા વસંતભાઈએ પોતાના ફોર્મમાં કોઈ મોટા પદોનો ઉલ્લેખ કરવાને બદલે પાયાના કામોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, મેં ખુરશીઓ લગાવી, દરી બિછાવી અને ટેબલ લગાવવાનું કામ કર્યું છે'. આ વિગત વાંચતા જ સંગઠનના હોદ્દેદારો અને અન્ય કાર્યકર્તાઓમાં આ ફોર્મ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 
વસંત ખેતાનનું આ ફોર્મ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં વાઇરલ થતાં જ તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેઓ માને છે કે પાર્ટી મને મોકો આપશે તો હું ઉમેદવારી કરીશ. ભાજપમાં પાયાના નાના કાર્યકર્તાને પણ હોદ્દો મળે છે તેવા ઉદ્દેશ્યથી આ નાનકડા કાર્યકર્તાએ પણ દાવેદારી ફોર્મ ભર્યું. 
આ કિસ્સો માત્ર એક દાવેદારી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે લોકશાહી અને પક્ષ પ્રત્યેની સમર્પણ ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે મોટા ભાગના લોકો સત્તાના જોરે ટિકિટની માંગણી કરતા હોય છે, ત્યારે વસંત ખેતાને પોતાની મહેનત અને શ્રમને જ પોતાની ઓળખ બનાવી છે. સુરત શહેરના વોર્ડ નંબર 22માંથી ભરાયેલું આ ફોર્મ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
હવે જોવાનું એ રહેશે કે પક્ષ આ કાર્યકર્તાને કેટલી પ્રાધાન્યતા આપે છે, પણ હાલ તો વસંતભાઈની સાદગી અને સત્યનિષ્ઠાએ સમગ્ર સુરતનું ધ્યાન ખેંચ્યું છે.