April 2, 2026
ગુજરાત

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલો : પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલે જામીન માટે હાઇકોર્ટમાં કરી અરજી, 10 એપ્રિલે થશે સુનાવણી

10:33:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલો : </strong></span>પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલે જામીન માટે હાઇકોર્ટમાં કરી અરજી, <strong>10 એપ્રિલે થશે સુનાવણી</strong></p>

સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન બિનખેતી (NA) કરવાના બહુચર્ચિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદની વિશેષ PMLA કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ, હવે પૂર્વ કલેક્ટરે પોતાની મુક્તિ માટે ગુજરાત હાઈકોર્ટમાં દ્વાર ખખડાવ્યા છે. કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ અને સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા આ ઉચ્ચ અધિકારીની અરજી પર આગામી 10 એપ્રિલના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે તપાસ એજન્સી દ્વારા હજુ આ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી નથી, તે પૂર્વે જ રાજેન્દ્ર પટેલે કાયદાકીય રાહત મેળવવા માટે પ્રયાસો તેજ કર્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે, જેમાં સરકારી તંત્રનો ઉપયોગ કરી ભ્રષ્ટાચારનું આખું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે જમીન NA કરવાની પ્રક્રિયા માટે અધિકારીઓએ રીતસરના 'ભાવ' નક્કી કરી રાખ્યા હતા. સરકારી વેબસાઈટ પર આવતી અરજીઓની બાજુમાં જ એક વધારાની કોલમ ઉમેરીને લાંચની રકમનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. આવી અંદાજે 800 જેટલી અરજીઓ મળી આવી છે, જે આ વ્યવસ્થિત કૌભાંડની સાક્ષી પૂરે છે. EDના મતે, આ રીતે ભ્રષ્ટાચાર દ્વારા 10 કરોડથી વધુની માતબર રકમ એકઠી કરવામાં આવી હતી, જેમાં વહીવટની 50 ટકા રકમ સીધી કલેક્ટરના ખિસ્સામાં જતી હતી.

આ સમગ્ર કૌભાંડમાં કલેક્ટરના અંગત મદદનીશ (PA) વહીવટદાર તરીકેની મુખ્ય ભૂમિકા ભજવતા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બાકીની લાંચની રકમ અન્ય મળતિયા અધિકારીઓ વચ્ચે વહેંચાતી હતી. તપાસ દરમિયાન EDએ રાજેન્દ્ર પટેલના બે મોબાઈલ ફોન, હાર્ડ ડિસ્ક અને મેકબુક સહિતના 10 જેટલા ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે, જેમાંથી કૌભાંડના મહત્વના પુરાવા મળવાની શક્યતા છે. આ કેસમાં ચેતન કણજારીયા નામના વ્યક્તિએ પોતે જમીન NA કરાવવા માટે 65 લાખ રૂપિયા ચૂકવ્યા હોવાની કબૂલાત પણ કરી છે. હવે જ્યારે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે, ત્યારે 10 એપ્રિલની સુનાવણી પર સૌની નજર ટકેલી છે કે કોર્ટ તપાસના આ તબક્કે આરોપીને જામીન આપે છે કે જેલના સળિયા પાછળ જ રાખે છે.