સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી જંગ : ભાજપ દ્વારા 'નમો કમલમ' ખાતે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ શરૂ...
સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ હવે જ્યારે શહેર પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ ઐતિહાસિક ચૂંટણીમાં વિજયી બનવા માટે ભારતીય જનતા પાર્ટીએ તેની કવાયત તેજ કરી દીધી છે, જેના ભાગરૂપે આજથી જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ' ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આજે પ્રથમ દિવસે સવારથી જ વોર્ડ નંબર 01 થી 07 માટે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. નિરીક્ષકો દ્વારા સવારના 10:00 થી સાંજના 05:00 વાગ્યા સુધી દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે, જેમાં સ્થાનિક સમીકરણો અને ઉમેદવારની જીતવાની ક્ષમતા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ પ્રક્રિયા આવતીકાલે પણ યથાવત રહેશે, જેમાં ગુરુવાર, 2 એપ્રિલના રોજ સવારના 10:00 થી સાંજના 04:00 વાગ્યા દરમિયાન વોર્ડ નંબર 08 થી 13 માટે સંભવિત ઉમેદવારોની રજૂઆતો સાંભળવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ કક્ષાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં લેવામાં આવી રહેલી આ સેન્સ પ્રક્રિયાના અંતે એક પ્રાથમિક યાદી તૈયાર કરવામાં આવશે, જે આખરી નિર્ણય માટે પ્રદેશ ભાજપ હાઈકમાન્ડને મોકલી આપવામાં આવશે. મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષો માટે આ પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે, જેને પગલે દાવેદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, ટિકિટ મેળવવા માટે ઈચ્છુક પુરુષ અને મહિલા ઉમેદવારોએ અત્યારથી જ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. અનેક દાવેદારો પોતાના રાજકીય 'ગોડ ફાધરો' અને પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે સંપર્ક સાધીને પોતાની દાવેદારી મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ખાસ કરીને બંધ બારણે ચાલતી આ મુલાકાતો અને ટેલિફોનિક સંપર્કોને કારણે સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયું છે. શહેરના વિકાસના મુદ્દાઓ અને નવા સીમાંકન બાદ બદલાયેલા જ્ઞાતિ-જાતિના સમીકરણો વચ્ચે કયા પક્ષના કયા ઉમેદવાર પર આખરી મહોર વાગશે તે જોવું રસપ્રદ રહેશે. આગામી દિવસોમાં આ સેન્સ પ્રક્રિયા બાદ જાહેર થનારા નામો પરથી ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે.