અમદાવાદમાં તસ્કરોનો આતંક: ચાંદખેડામાં CISF ASIના પત્નીની સોનાની ચેઈન ખેંચી બે શખ્સો ફરાર
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને CISF માં ASI તરીકે ફરજ બજાવતા અધિકારીના પત્ની આજે વહેલી સવારે જ્યારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, ત્યારે લૂંટનો શિકાર બન્યા હતા. બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મહિલાને નિશાન બનાવી તેમના ગળામાંથી સોનાની ચેઈન આંચકી લીધી હતી.
ઝપાઝપીમાં આરોપીનું હેલ્મેટ પડ્યું
મળતી માહિતી મુજબ, લૂંટારુઓએ હેલ્મેટ પહેરીને આ ગુનાને અંજામ આપ્યો હતો. જ્યારે તસ્કરો ચેઈન ખેંચવા આવ્યા ત્યારે મહિલાએ બહાદુરીપૂર્વક પ્રતિકાર કર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન એક આરોપીનું હેલ્મેટ પણ જમીન પર પડી ગયું હતું, જોકે તસ્કરો ભાગવામાં સફળ રહ્યા હતા. લૂંટારુઓ આશરે 48 ગ્રામ વજનની સોનાની ચેઈન, જેની બજાર કિંમત અંદાજે ₹1,70,000 (1.70 લાખ) થાય છે, તે લઈને પલાયન થઈ ગયા હતા.
પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજ
આ ઘટનાની જાણ થતા જ ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ મેળવ્યા છે, જેમાં આરોપીઓ કેમેરામાં કેદ થયેલા જોવા મળ્યા છે. હેલ્મેટ અને બાઈકના નંબરના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચવા માટે સઘન શોધખોળ કરી રહી છે.