હજારો ઘરમાં ચૂલો સળગવો મુશ્કેલ બનશે? થાનગઢમાં સીરામીક એકમો બંધ થતા મજૂરોની ચિંતા વધી
દેશો વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની માઠી અસર હવે ગુજરાતના સ્થાનિક ઉદ્યોગો પર દેખાવા લાગી છે. ગલ્ફ દેશોમાંથી આવતા ગેસના પુરવઠામાં અછત અને ભાવવધારાને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના સીરામીક હબ ગણાતા થાનગઢના 300થી વધુ કારખાનાઓ આજથી અનિશ્ચિતકાળ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થાનગઢ સીરામીક એસોસિએશન દ્વારા 200થી વધુ ઉદ્યોગકારો સાથે મળેલી તાકીદની બેઠકમાં આ આકરો નિર્ણય લેવાયો છે. ગેસના ભાવમાં પ્રતિ કિલોએ 46 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવતા ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે.
ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, મોંઘા ભાવે ઉત્પાદન કર્યા બાદ બજારમાં વસ્તુઓ વેચવી અશક્ય બની છે, કારણ કે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગ્રાહકો મોંઘી પ્રોડક્ટ ખરીદવા તૈયાર નથી.આ તાળાબંધીને કારણે થાનગઢના સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલા 40,000થી વધુ શ્રમિકો સીધી રીતે પ્રભાવિત થયા છે. કારખાનાઓમાં કામ કરતા ડ્રાઈવરો, કારીગરો અને અન્ય મજૂરોની રોજગારી છીનવાઈ ગઈ છે. કામકાજ ઠપ્પ થતા ઉદ્યોગકારોએ શ્રમિકોને તેમના વતન પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
જોકે, સ્થિતિ થાળે પડ્યે પરત બોલાવવાની ખાતરી આપવામાં આવી છે.યુદ્ધની સ્થિતિને કારણે માત્ર ભાવ વધ્યા છે એટલું જ નહીં, પરંતુ ગેસના કન્ટેનર આવવામાં પણ મોટી અડચણ ઊભી થઈ છે. ગેસની સતત વરતાતી અછતને કારણે ભઠ્ઠીઓ ચલાવવી જોખમી અને નુકસાનકારક સાબિત થઈ રહી હતી. ઉદ્યોગકારોનું કહેવું છે કે, જ્યાં સુધી ગેસના ભાવમાં ઘટાડો અને પુરવઠો નિયમિત ન થાય ત્યાં સુધી એકમો શરૂ કરવા અશક્ય છે.
સુરેન્દ્રનગર જિલ્લાનો આ સૌથી મોટો ઉદ્યોગ બંધ થવાથી સ્થાનિક અર્થતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે. સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટ અને પેકેજિંગ જેવા આનુષંગિક વ્યવસાયો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ઉદ્યોગકારો હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે આ મામલે હસ્તક્ષેપ કરવાની અને ગેસના ભાવમાં રાહત આપવાની માંગ કરી રહ્યા છે, જેથી હજારો શ્રમિકોના ઘરના ચૂલા ફરી સળગી શકે અને ઉદ્યોગ ફરી વેગવંતો બની શકે.