અમરોલીમાં હત્યાને અંજામ આપનાર ઝડપાયો: સુરત પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. માત્ર સામાન્ય બોલાચાલી કે માથાકૂટમાં ઉશ્કેરાઈ ગયેલા શખ્સે એક માસૂમ યુવક પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. નજીવી બાબતે થયેલી આ હિંસક ઘટનાએ અમરોલી વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે.
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી શ્રીરામનગર સોસાયટીમાં રવિવારે રાત્રે થયેલી સનસનાટીભરી હત્યાનો ભેદ ઉકેલવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે. ગત તારીખ 29/03/2026 ના રોજ રાત્રે આશરે 10:30 વાગ્યાના સુમારે થયેલી આ હત્યાના આરોપીને પોલીસે રિંગરોડ પાસેથી દબોચી લીધો છે.
ઘટનાની વિગત:
મળતી માહિતી મુજબ, અમરોલીની શ્રીરામનગર સોસાયટીમાં રહેતા 20 વર્ષીય યુવાન મહેન્દ્રકુમાર રાજપૂતની હત્યા કરવામાં આવી હતી. સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં આરોપી સોયેબ ઉર્ફે અમન અકબર હુશેન હજારીકાએ મહેન્દ્રકુમાર પર છરા વડે તૂટી પડી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા મહેન્દ્રકુમારનું મોત નિપજ્યું હતું.
પોલીસની ત્વરિત કાર્યવાહી:
હત્યાના બનાવની જાણ થતા જ અમરોલી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સુરત પોલીસના DCP લખધીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સોયેબ ઉર્ફે અમનને અમરોલી રિંગરોડ પાસેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
DCP લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આરોપીએ આવેશમાં આવીને છરાના ઘા મારી યુવકની હત્યા કરી હતી. હાલ પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને હત્યામાં વપરાયેલું હથિયાર કબજે લેવાની તજવીજ હાથ ધરાઈ છે.