કચ્છમાં ગુંજશે ઘોરાડનો કલરવ: 'ઓપરેશન એગ ટ્રાન્સફર' દ્વારા 10 વર્ષ પછી નવો જન્મ
વૈશ્વિક સ્તરે લુપ્ત થતી પ્રજાતિઓમાં જેની ગણના થાય છે તેવું 'ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' (ઘોરાડ) રાજસ્થાન અને ગુજરાતના સીમિત વિસ્તારોમાં જ જોવા મળે છે. વજનદાર હોવા છતાં ઊડી શકતા આ પક્ષીની સંખ્યા ઘટતી જતી હોવાથી પર્યાવરણવિદોમાં ચિંતા હતી. ખાસ કરીને કચ્છમાં નર ઘોરાડની ગેરહાજરીને કારણે વંશવૃદ્ધિ અટકી પડી હતી. પરંતુ વિજ્ઞાન અને વન વિભાગના સંયુક્ત પુરુષાર્થથી એક દાયકા બાદ કચ્છની ધરતી પર ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે, જે વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ભારતની મોટી જીત માનવામાં આવે છે.
770 કિમીની મુસાફરી અને 'જમ્પસ્ટાર્ટ એપ્રોચ' ની સફળતા
કચ્છના અબડાસા (નલિયા) વિસ્તારમાં ઘોરાડના અસ્તિત્વને ટકાવી રાખવા માટે વન વિભાગે એક જટિલ ઓપરેશન હાથ ધર્યું હતું. કચ્છમાં માદા ઘોરાડ ઈંડા તો મૂકતી હતી, પરંતુ નર પક્ષી ન હોવાથી તેમાંથી બચ્ચાનો જન્મ થતો નહોતો. રાજસ્થાનના જેસલમેર બ્રીડિંગ સેન્ટરથી એક ફલિત (Fertile) ઈંડું પસંદ કરવામાં આવ્યું. આ ઈંડાને ઇન્ક્યુબેટરમાં રાખી 19 કલાકની મુસાફરી કરાવી 770 કિમી દૂર કચ્છ લાવવામાં આવ્યું હતું.
22 માર્ચના રોજ કચ્છની માદા ઘોરાડના માળામાં આ ઈંડું ગોઠવવામાં આવ્યું. માદા પક્ષીના સેવન બાદ 26 માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો છે. હાલમાં વન વિભાગની ટીમ દ્વારા 24 કલાક બચ્ચા અને માદા ઘોરાડનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાનના વિઝન અને સંયુક્ત પ્રયાસોનું પરિણામ
વર્ષ 2011 માં નરેન્દ્ર મોદીના વિઝન સાથે શરૂ થયેલા પ્રયાસો અને 2016 માં અમલી બનેલા 'પ્રોજેક્ટ GIB' ને કારણે આજે આ સફળતા મળી છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ આ સિદ્ધિને બિરદાવી છે. રાજસ્થાનમાં અત્યારે ઘોરાડની સંખ્યા વધીને 73 સુધી પહોંચી છે, જે હવે ગુજરાતના પર્યાવરણને પણ સમૃદ્ધ બનાવી રહી છે.