એકતા કપૂર લાવશે દેશને હચમચાવી દેનારી ફિલ્મ: 'ધી ટેરર રિપોર્ટ'માં જોવા મળશે આતંકી હુમલાઓની ભયાનકતા
બોલિવૂડમાં હાલમાં સાંપ્રત ઘટનાઓ, રાજકારણ અને દેશભક્તિ આધારિત ફિલ્મોનો ટ્રેન્ડ પૂરજોશમાં ચાલી રહ્યો છે. રણવીર સિંહની 'ધુરંધર' ફ્રેન્ચાઈઝીની સફળતા બાદ, જાણીતા પ્રોડ્યુસર એકતા કપૂર પણ આ મેદાનમાં ઉતર્યા છે. એકતા કપૂર હવે દેશમાં થયેલા આતંકી હુમલાઓ પર આધારિત એક અત્યંત મહત્વકાંક્ષી ફિલ્મ 'ધી ટેરર રિપોર્ટ' બનાવી રહ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આ ફિલ્મમાં વર્ષ 1998 થી લઈને 2025 સુધીમાં ભારતમાં થયેલા વિવિધ આતંકી હુમલાઓની ઘટનાઓને આવરી લેવામાં આવશે.
આ ફિલ્મ માત્ર હુમલાઓ જ નહીં, પરંતુ તેની પાછળના ષડયંત્રો અને તપાસ એજન્સીઓની કામગીરી પર પણ પ્રકાશ પાડશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ એકતા કપૂરે 'ધી સાબરમતી રિપોર્ટ' ફિલ્મ બનાવી હતી અને 'ધી ટેરર રિપોર્ટ' તેની જ સીકવલ અથવા તે જ શ્રેણીનો એક ભાગ હોવાનું મનાઈ રહ્યું છે.ફિલ્મની વાર્તાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એકતા કપૂરે તેના દિગ્દર્શનની જવાબદારી સાઉથના દિગ્ગજ ડિરેક્ટર વિષ્ણુવર્ધનને સોંપી છે.
વિષ્ણુવર્ધન અગાઉ કારગિલ વોર હીરો વિક્રમ બત્રાના જીવન પર આધારિત સુપરહિટ ફિલ્મ 'શેરશાહ' નું સફળ દિગ્દર્શન કરી ચૂક્યા છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય દર્શકો સત્ય ઘટનાઓ અને રાષ્ટ્રવાદ સાથે જોડાયેલી ફિલ્મોને ખૂબ પસંદ કરી રહ્યા છે. 'ધી ટેરર રિપોર્ટ' દ્વારા એકતા કપૂર આ ટ્રેન્ડને આગળ ધપાવશે. આ ફિલ્મ દ્વારા દેશવાસીઓને આતંકવાદ સામેની ભારતની લાંબી લડાઈનો એક નવો પરિપ્રેક્ષ્ય જોવા મળશે.