રામાયણમાં ‘મંથરા’ બનશે આ મશહૂર એક્ટ્રેસ, ફિલ્મ માટે ગેમ ચેન્જર બનશે
નિતેશ તિવારીની આગામી બ્લોકબસ્ટર ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝર રિલીઝ થતાં જ ફિલ્મની સ્ટારકાસ્ટ અને કલાકારો વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં, રવિ દુબે લક્ષ્મણ, સાઈ પલ્લવી સીતા અને સની દેઓલ હનુમાન તરીકે જોવા મળશે. યશને રાવણના પાત્રમાં કાસ્ટ કરવામાં આવ્યા છે.
4000 કરોડના વિશાળ બજેટમાં બની રહેલી આ ફિલ્મમાં મંથરાના મહત્વના પાત્રમાં પ્રખ્યાત એક્ટ્રેસ શીબા ચડ્ઢાને પસંદ કરવામાં આવી છે. ફિલ્મના નિર્માતાઓ શીબા ચડ્ઢાને આ ફિલ્મ માટે ગેમ ચેન્જર માની રહ્યા છે.
શીબા ચડ્ઢા કોણ છે?
શીબા ચડ્ઢા દિલ્હીમાં જન્મેલી પ્રતિભાશાળી અભિનેત્રી છે. તેમની કારકિર્દીની શરૂઆત થિયેટરથી કરી હતી. કોલેજના દિવસોમાં જ તેમને એક્ટિંગનો ચસ્કો લાગ્યો અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે તેમણે થિયેટર જોડી લીધું. પછી મુંબઈ આવીને તેમણે અભિનયની દુનિયામાં પોતાના ઝંડા ગાડી દીધા.
શીબા ચડ્ઢાએ બોલિવુડમાં શાહરૂખ ખાન સાથે ‘દિલ સે’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તેમણે ‘દમ લગા કે હૈશા’, ‘બધાઈ હો’ અને ‘ગલ્લી બોય’ જેવી ફિલ્મોમાં પોતાના પાવરફુલ અભિનયથી દર્શકો પર છાપ છોડી છે.
વેબ સિરીઝમાં પોતાની અદાકારીની અદ્દભૂત ઝલક બતાવી
તેમણે વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ અને ‘બંદિશ બંદિત્સ’માં પણ અદાકારીની ઝલક બતાવી છે. શીબાની ખાસિયત એ છે કે તેઓ દરેક પાત્રને પૂરા ઇમોશન્સ અને વાસ્તવિકતા સાથે નિભાવે છે, જેના કારણે તેમનો નાનામાં નાનો રોલ પણ દમદાર લાગે છે.
‘રામાયણ’માં મંથરાનું પાત્ર અત્યંત પાવરફુલ અને આઈકોનિક માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે શીબા ચડ્ઢા પૂર્વની પ્રખ્યાત અભિનેત્રી લલિતા પવારના મંથરા પાત્રને ટક્કર આપી શકશે કે નહીં.