જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા હોવ તો આ વાંચી લેજો: લેઝર શો અને નર્મદા આરતીનો સમય બદલાયો
જો તમે આગામી દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે છે. ઉનાળાની ઋતુને પગલે 1લી એપ્રિલથી લેઝર શો અને નર્મદા આરતી ના સમયપત્રકમાં આંશિક બદલાવ કરવામાં આવ્યો છે. સૂર્યાસ્ત મોડો થતો હોવાથી લેઝર શોની ક્લેરિટી જળવાઈ રહે અને પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ મળે તે હેતુથી નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે આવતા લાખો પ્રવાસીઓ માટે સત્તામંડળ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
આગામી 1લી એપ્રિલ 2016થી લેઝર શો અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળાની શરૂઆત સાથે દિવસ લાંબો થતા આ ફેરફાર અમલી બનાવવામાં આવ્યો છે.વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, હાલમાં સાંજે 7:15 કલાકે સૂર્યપ્રકાશ વધુ હોવાને કારણે લેઝર શોની વિઝ્યુઅલ સ્પષ્ટતા પર અસર પડતી હતી. પ્રવાસીઓ આ ભવ્ય શોનો સંપૂર્ણ અને સ્પષ્ટ આનંદ માણી શકે તે હેતુથી શોનો સમય 15 મિનિટ લંબાવવામાં આવ્યો છે. ગોરા ઘાટ પર કાશીની ગંગા આરતીની તર્જ પર યોજાતી ભવ્ય નર્મદા મહાઆરતી પ્રવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે.
લેઝર શો નિહાળ્યા બાદ પ્રવાસીઓ શાંતિપૂર્વક મહાઆરતીમાં સહભાગી થઈ શકે તે રીતે આ સમયનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રોચ્ચાર અને દીવાઓના પ્રકાશથી ઝગમગતો નર્મદા કિનારો પ્રવાસીઓને દિવ્ય અનુભૂતિ કરાવશે. જે પ્રવાસીઓએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે અથવા મુલાકાતનું આયોજન કરી રહ્યા છે, તેમણે આ નવા ટાઈમ ટેબલ મુજબ પોતાનું શિડ્યુલ ગોઠવવા જણાવેલ છે.
પ્રવાસીઓએ નીચે મુજબના નવા સમયની નોંધ લેવાની રહેશે
લેઝર શો હવે સાંજે 7:30 કલાકે શરૂ થશે (જૂનો સમય 7:15 હતો) અને નર્મદા મહાઆરતી હવે સાંજે 8:15 કલાકે યોજાશે (જૂનો સમય 8:00 હતો)